આ કેસમાં ૮ દિવસ સુધી તપાસ કરી રિક્ષામાં ભુલાઈ ગયેલી માલમતા પાછી મેળવી આપી છે.
બાંગુરનગર પોલીસે બ્રિન્દાને દાગીના પાછા સોંપ્યા હતા.
ગોરેગામ રહેતાં ૪૮ વર્ષનાં બ્રિન્દા રાય ૨૧ ડિસેમ્બરે સાંજે ગોરેગામથી બાંગુરનગર રિક્ષામાં જઈ રહ્યાં હતાં ત્યારે પ્રવાસ દરમ્યાન પચીસ તોલા સોનું રાખેલી થેલી ભૂલી ગયાં હતાં જેની ફરિયાદ મળતાં બાંગુરનગર પોલીસે આશરે ૧૦૦થી વધારે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને આ કેસમાં ૮ દિવસ સુધી તપાસ કરી રિક્ષામાં ભુલાઈ ગયેલી માલમતા પાછી મેળવી આપી છે.
સાસુના ઘરે કલરકામ ચાલતું હોવાથી દાગીના સલામત રહે એવા હેતુથી બ્રિન્દા રાય દાગીના પોતાના ઘરે લઈ જઈ રહ્યાં હતાં એમ જણાવતાં બાંગુરનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૧ ડિસેમ્બરે સાંજે ફરિયાદી રિક્ષામાં દાગીના ભૂલી ગયાં હોવાની ફરિયાદ મળતાં મિસિંગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને એ માટે ૧૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં બોરીવલીના પોઇસરમાં રિક્ષા-ડ્રાઇવરને ટ્રેસ કરવામાં અમને સફળતા મળી હતી. અંતે વધુ તપાસ હાથ ધરીને રિક્ષા-ડ્રાઇવરની ઓળખ કરી તેની પૂછપરછ કરતાં તેણે દાગીના સંભાળીને તેની બહેનના ઘરે રાખ્યા હોવાનું કહ્યું હતું. અંતે ત્યાંથી દાગીના લઈ અમે ફરિયાદીને પાછા આપી દીધા હતા.’