આવો સવાલ પૂછતાં આદિત્ય ઠાકરેએ આક્ષેપ કર્યો કે તત્કાલીન મહા વિકાસ આઘાડી સરકારે ગયા વર્ષે ૯૫ ટકા નક્કી કરી લીધું હોવા છતાં સરકાર બદલાયા બાદ કંપનીએ નિર્ણય બદલીને મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું
ફાઈલ ફોટો
મુંબઈ : રાજ્યના પુણેમાં ૧.૫૪ લાખ કરોડ રૂપિયાના મહત્ત્વાકાંક્ષી વેદાંતા-ફૉક્સકૉન સેમી કન્ડક્ટર પ્લાન્ટ મેળવવા માટે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારે પ્રયાસ હાથ ધર્યા હતા. આ સંબંધે અમુક બેઠકો પણ થઈ હતી, પરંતુ હવે આ પ્લાન્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતના અમદાવાદ પાસે ફાઇનલ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવ્યા બાદ આ બાબતે સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે ગઈ કાલે જોરદાર આરોપ-પ્રત્યારોપ થયા હતા. એક રિપોર્ટ મુજબ પ્લાન્ટ માટેની કેટલીક શરતો મહા વિકાસ આઘાડી સરકારે માન્ય ન રાખી હોવાથી કંપનીએ પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવાનો નિર્ણય લીધો છે.
લગભગ ૧ લાખ લોકોને રોજગાર મળી શકે એવા ૧.૫૪ લાખ કરોડ રૂપિયાના વેદાંતા-ફૉક્સકૉન સેમી કન્ડક્ટર બનાવવાનો પ્લાન્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતના અમદાવાદ નજીક સ્થાપવાનો નિર્ણય કંપનીએ લીધો હોવાની માહિતી સામે આવ્યા બાદ યુવા સેનાપ્રમુખ અને ભૂતપૂર્વ પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે સરકારને સવાલ કર્યો છે કે આવું કેમ થયું? આના માટે કોણ જવાબદાર?
આ બાબતે પત્રકારો સાથેની વાતચીતમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે ‘વેદાંતા-ફૉક્સકૉને પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સ્થાપવા માટે રસ દાખવ્યો હતો. આથી આ સંબંધે અમે વેદાંતાના અનિલ અગ્રવાલ સાથે ચર્ચા કરી હતી. એ સમયે તેઓ મહારાષ્ટ્રમાં આવશે એમ કહ્યું હતું. તેમની ટીમે પુણેમાં તળેગાવની જગ્યા પણ નક્કી કરી હતી. જોકે હવે આ પ્રોજેક્ટ ગુજરાતમાં થઈ રહ્યો છે એ જાણીને આઘાત લાગ્યો છે. ૯૫ ટકા બધું નક્કી થઈ ગયું હતું. બધું ફાઇનલ થયું હોવા છતાં રાજ્યમાં સરકાર બદલાયા બાદ કેમ કંપનીએ અચાનક નિર્ણય બદલ્યો? અત્યારની સરકારે આનો જવાબ આપવો જોઈએ. હું આ સરકારને સરકાર માનતો નથી.’
ઉલ્લેખનીય છે કે વેદાંતાના અનિલ અગ્રવાલે સેમી કન્ડક્ટરનો પ્રોજેક્ટ અમદાવાદ નજીકની ૧૦૦૦ એકર જમીનમાં ફાઇનલ થયો હોવાની ટ્વીટ ગઈ કાલે કરી હતી. કંપનીએ અચાનક મહારાષ્ટ્રને બદલે ગુજરાતની પસંદગી કેમ કરી એવો સવાલ થઈ રહ્યો છે. રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે આ વિશે કહ્યું હતું કે ‘રાજ્યની અગાઉની સરકાર કરતાં ગુજરાત સરકારે આ પ્રોજેક્ટમાં વધુ ઇન્સેન્ટિવ આપ્યાં છે. કંપની ગુજરાતમાં જવા માટે રાજકારણ કરવા કરતાં વધુ કંપનીઓ રાજ્યમાં આવે એ માટેના પ્રયાસ થવા જોઈએ. મારા એ માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. આમ છતાં વેદાંતા કંપનીએ આવો નિર્ણય શા માટે લીધો છે એની માહિતી મેળવી રહ્યો છું.’
એક રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્ય સરકાર કેટલાંક ઇન્સેટિવ અને ટૅક્સ-બ્રેક બાબતે સંમત ન હોવાથી કંપનીએ ગુજરાત જવાનો નિર્ણય લીધો છે.
ઘટનાસ્થળે ગોળી મળતાં સદા સરવણકરની મુશ્કેલી વધી શકે છે
ગણપતિવિસર્જન વખતે પ્રભાદેવીમાં એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકો સામસામે આવી ગયા બાદ સ્થાનિક વિધાનસભ્ય સદા સરવણકરે હવામાં બે વખત ગોળીબાર કર્યો હોવાનો આરોપ થયા બાદ દાદર પોલીસે આ મામલે એફઆઇઆર નોંધ્યો હતો. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાની મદદથી આ ગોળીબારનાં ફુટેજ ચકાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંધકારને લીધે પોલીસને સફળતા નહોતી મળી. જોકે પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતાં ત્યાંથી એક ગોળી મળી હતી. આથી ગોળીબાર થયો હોવાનું પુરવાર થતાં સદા સરવણકરની પિસ્તોલ જપ્ત કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. આથી એકનાથ શિંદે જૂથના આ વિધાનસભ્યની મુશ્કેલી વધી શકે છે.
રાજ્ય સરકારને કરાયેલા ૧૨,૦૦૦ કરોડના દંડનો મામલો ગરમાયો
સૉલિડ અને વેસ્ટ મૅનેજમેન્ટની સ્થાપના બાબતે સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન ન કરવા બદલ અને નૅશનલ ગ્રીન આર્બિટ્રેશન કાયદાની કલમ ૧૫ મુજબ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ આર્બિટ્રેશને મહારાષ્ટ્ર સરકારને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બે મહિનામાં સરકારે આ રકમ જમા કરાવવાની રહેશે અને રાજ્યના મુખ્ય સચિવની સૂચના મુજબ આ રકમનો ઉપયોગ પર્યાવરણના સંવર્ધન માટે કરવામાં આવે એવો આદેશ આપ્યો છે. આ મામલે બીજેપી મુંબઈ અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે મહા વિકાસ આઘાડી સરકાર અને ભૂતપૂર્વ પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેને જવાબદાર ગણાવ્યાં છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે ‘આ દંડ બે મહિનામાં ભરવાનો છે, તો હવે કહે ભોલેનાથ... આ દંડ બીએમસીમાં સત્તામાં રહેલા લોકો પાસેથી... અઢી વર્ષ પર્યાવરણપ્રધાન રહેલા પાસેથી... સોશ્યલ મીડિયામાં પર્યાવરણપ્રેમનાં વૃક્ષ લગાવનારા પેન્ગ્વિન સેનાપ્રમુખ પાસેથી... વસૂલ કરવાના કે...’