એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કપોળ વિદ્યાનિધિ ટ્રસ્ટને પ્રિન્સિપાલનું ઇન્ક્રીમેન્ટ એક વર્ષ રોકવા જણાવ્યું. સ્કૂલનો મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો
કપોળ વિદ્યાનિધિ સ્કૂલ
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલી આઇસીએસઈ બોર્ડની કપોળ વિદ્યાનિધિ સ્કૂલનો કોવિડ દરમ્યાન ફીના મુદ્દે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરીને અલગ બેસાડવાનો મુદ્દો, જે પોલીસ-સ્ટેશન સુધી પહોંચ્યો હતો એ હાલના વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ ગાજ્યો હતો. પાંચ વિધાનસભ્યો દ્વારા આ સંદર્ભે સ્કૂલ અને એના પ્રિન્સિપાલ સામે શું કાર્યવાહી કરાઈ એવો સવાલ વિધાનભવનમાં પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં એજ્યુકેશન મિનિસ્ટર દીપક કેસરકરે કહ્યું હતું કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આ બાબતે કાર્યવાહી કરી છે. એજયુકેશન ડિપાર્ટમેન્ટે આ બાબતે સ્કૂલનાં પ્રિન્સિપાલ રેશમા હેગડેને એક વર્ષ ઇન્ક્રીમેન્ટ ન આપવા કપોળનિધિ ટ્રસ્ટને જણાવ્યું છે.
કોરોના વખતે સ્કૂલ દ્વારા પૂરી ફી લેવાનો આગ્રહ રખાયો હતો. સ્કૂલ દ્વારા એ માટે હપ્તામાં ફી આપવાની સુવિધા વાલીઓને અપાઈ હતી, પણ ફીમાં કોઈ રાહત આપવામાં આવી નહોતી. જ્યારે વાલીઓનું કહેવું હતું કે સ્કૂલ દ્વારા બાળકોને ઑનલાઇન ભણાવવામાં આવે છે ત્યારે તેઓ બાળકોની ટ્યુશન-ફી આપવા તૈયાર છે, પણ સ્કૂલ દ્વારા લેવામાં આવતી અન્ય ફી જેમાં લાઇબ્રેરી ફી કે પછી લૅબ-ફી, કમ્પ્યુટર-ફી જેવી એ વખતે કોઈ સુવિધા પ્રોવાઇડ ન કરાતી હોવાથી એ ફી સ્કૂલે માફ કરવી જોઈએ અને લેવી ન જોઈએ એથી કેટલાક વાલીઓએ ટ્યુશન ફી જ ભરી હતી.
ADVERTISEMENT
સ્કૂલ દ્વારા ત્યાર બાદ એ વાલીઓનાં બાળકોને તેમના રેગ્યુલર ક્લાસમાંથી તેમના દફ્તર સાથે ઉઠાડી લૅબમાં બેસવાનું કહેવાયું હતું. આખો દિવસ તેમને લૅબમાં બેસાડી રખાયાં હતાં અને કહેવા પૂરતા ત્યાં એકાદબે શિક્ષકોને ભણાવવા મોકલ્યા હતા, જેમણે થોડો સમય ત્યાં હાજરી આપી હતી. તેમની સાથે થયેલા આ ઓરમાયા વર્તનથી બાળકોને આઘાત લાગ્યો હતો અને તેમણે ઘરે જઈને તેમનાં માતા-પિતાને આ વિશે જાણ કરી હતી. એથી આ બાબતે ત્યાર બાદ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને કાંદિવલી પોલીસ બન્નેમાં વાલીઓ દ્વારા ફરિયાદ થઈ હતી.
લાંબો વખત વીતી ગયા બાદ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સ્કૂલ કે પછી પ્રિન્સિપાલ સામે શાં પગલાં લીધાં એ જાણવા જ્યારે એક વાલીએ આરટીઆઇ કરી જવાબ મેળવવાની કોશિશ કરી ત્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જવાબ આપતાં કહ્યું કે ‘પ્રિન્સિપાલ રેશમા હેગડે સામે પ્રાઇવેટ સ્કૂલને લગતા નિયમો અંતર્ગત એક વર્ષનું ઇન્ક્રીમેન્ટ રોકવાની કાર્યવાહી કરવા કપોળ વિદ્યાનિધિ ટ્રસ્ટને જણાવ્યું છે. એ સિવાય આ સંદર્ભે સ્કૂલને માન્યતા આપવા માટે આપવામાં આવતું એનઓસી રદ કરવું કે કેમ એની તપાસ કરવા એક ખાસ સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું છે.’
આ બાબતે સ્કૂલનું શું કહેવું છે એ જાણવા ‘મિડ-ડે’ દ્વારા પ્રિન્સિપાલ રેશમા હેગડેનો ફોન પર સંપર્ક કરવાની કોશિશ થઈ હતી, પણ તેમણે ફોન રિસીવ કર્યો નહોતો એથી તેમને મેસેજ કરીને તેમનો મત જાણવાની કોશિશ કરવામાં આવી હતી, પણ એનો પણ જવાબ નહોતો મળ્યો.