મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસને સૌથી વધુ ૧૩ લોકસભા બેઠક પર વિજય મળ્યો છે
ગઈ કાલે દાદરના ટિળકભવનમાં મહારાષ્ટ્રમાં જીતેલા કૉન્ગ્રેસના ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો એમાં ગાંધીનગરમાં અમિત શાહ સામે હારેલાં સોનલ પટેલ મુખ્ય મહેમાન હતાં. આશિષ રાજે
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સમાવેશવાળી મહાવિકાસ આઘાડીનો ૪૮માંથી ૩૦ બેઠક પર વિજય થયો છે. આથી લોકસભાની બેઠકમાં થયેલા મતદાન મુજબ રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકમાંથી મહાવિકાસ આઘાડીને ૧૫૦ બેઠકમાં ફાયદો થયો છે તો સત્તાધારી મહાયુતિને ૧૨૫ વિધાનસભા બેઠકમાં સરસાઈ મળી છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં અત્યારે સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ૨૦૫ વિધાનસભ્યો છે; જ્યારે વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીના ૭૭ વિધાનસભ્યો છે. મહારાષ્ટ્રમાં થોડાક મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થશે એમાં લોકસભામાં મળેલા મતોના આધારે મહાવિકાસ આઘાડીને સારોએવો લાભ મળી શકે છે. મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસને સૌથી વધુ ૧૩ લોકસભા બેઠક પર વિજય મળ્યો છે એટલે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૧૫૦થી વધુ બેઠકો મહાવિકાસ આઘાડીમાં મળવી જોઈએ એવી માગણી પણ કરી દીધી છે.