પક્ષના વરિષ્ઠોના મતે લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં ૧.૫ ટકાનો વધારો કરીને વિધાનસભામાં વિજય મેળવી શકાશે
લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ સંબંધે ચિંતન કરવા માટે દાદરના વસંતસ્મૃતિ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની પ્રદેશ-કાર્યકારિણીની બેઠક મળી હતી.
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની મહાયુતિએ ૪૫થી વધુ બેઠક મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આ ત્રણેય પક્ષને માત્ર ૧૭ બેઠક જ મળી હતી. એમાં પણ BJPએ સૌથી વધુ ૨૮ બેઠક લડી હતી એમાંથી માત્ર ૯ બેઠકમાં જ વિજય મળ્યો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ, BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, BJPના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી વિનોદ તાવડે, કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલ સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓની મુંબઈમાં શુક્રવારે બેઠક થઈ હતી. સૂત્રો મુજબ દાદરની વસંત સ્મૃતિમાં આયોજિત બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને ૪૩.૯૧ ટકા તો મહાયુતિને ૪૨.૭૬ ટકા મત મળ્યા છે એટલે કે વિરોધ પક્ષોને માત્ર ૧.૧૫ ટકા વધુ મત મળ્યા છે. આથી આપણે લોકસભાની સરખામણીમાં ૧.૫ ટકા વધુ મેળવીશું તો વિધાનસભાની ચૂંટણી જીતી શકીશું. આથી લોકસભાના પરિણામથી હતાશ થવાની જરૂર નથી. આપણે ફરી સફળ થઈશું.’
પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ બાદમાં આ વિશે કહ્યું હતું કે ‘અમે મહારાષ્ટ્રના દરેક જિલ્લાની પ્રત્યેક વિધાનસભામાં ચૂંટણીના પરિણામનું ઍનૅલિસિસ કરવા માટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભાગવત કરાડની અધ્યક્ષતામાં એક કમિટી નીમવાનો નિર્ણય લીધો છે. વિરોધ પક્ષોએ ફેલાવેલી અફવાનો અસરકારક જવાબ આપવો પડશે. મરાઠા આરક્ષણ અને બંધારણમાં ફેરફાર સંબંધે જનતાને અમારે વિશ્વાસમાં લેવી પડશે. આ સિવાય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુ ને વધુ લોકો સુધી પહોંચવા માટે ઘર-ઘર ચલો અભિયાન શરૂ કરવામાં આવશે.’

