ટ્રસ્ટીઓ ઉદય કોતવાલ અને તુષાર આપ્ટેની સામે પણ ગુનો નોંધાયો હતો
બદલાપુરની આદર્શ સ્કૂલના ટ્રસ્ટીઓ તુષાર આપ્ટે અને ઉદય કોતવાલ.
બદલાપુરની સ્કૂલમાં બાળકીઓ સાથે થયેલા જાતીય અત્યાચારના કેસમાં મુખ્ય આરોપી અક્ષય શિંદે તો પકડાઈ ગયો અને ત્યાર બાદ તેનું એન્કાઉન્ટરમાં મૃત્યુ પણ થયું હતું. જોકે સ્કૂલ દ્વારા ઘટનાની જાણ થયા બાદ પોલીસને તરત ન જણાવવા બાબત ટ્રસ્ટીઓ ઉદય કોતવાલ અને તુષાર આપ્ટેની સામે પણ ગુનો નોંધાયો હતો. જોકે તે બન્ને લાંબો સમય સુધી ધરપકડ ટાળવા પોલીસથી નાસતા ફરતા હતા.
બન્ને આરોપીને જાણ હતી કે પોલીસ તેમની સામે ગુનો નોંધી તેમની શોધ ચલાવશે એથી તેમણે ઘર છોડી દીધું હતું. કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના જણાવ્યા અનુસાર તેઓ ટ્રૅક ન થઈ શકે એ માટે તેમના મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી નાખ્યા હતા. તેઓ દર બે-ત્રણ દિવસે જગ્યા બદલી નાખતા હતા. બીજી ઑક્ટોબરે કર્જતથી પકડાયા એ પહેલાં તેઓએ ૪૦ દિવસ સુધી પરિવાર સાથે સંપર્ક કરવાનું ટાળ્યું હતું. તેમને ખબર હતી કે તેમને શોધી રહેલી પોલીસ તેમના પરિવારના સભ્યો પર વૉચ ગોઠવીને બેઠી હશે. એથી તેઓ વેસ્ટર્ન મહારાષ્ટ્રમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ છુપાતા ફરતા હતા. તેમણે ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી કરી હતી, પણ કોર્ટે એ ફગાવી દીધી હતી. ગુરુવારે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને જેલ-કસ્ટડી આપી હતી. એ પછી તેમણે જામીન-અરજી કરતાં તેમની સામે નોંધાયેલા બે કેસમાંથી એકમાં જામીન મંજૂર કરાયા હતા, જ્યારે બીજા કેસમાં તેમને ગઈ કાલે શુક્રવારે જામીન મજૂર કરાયા છે.