આ યુવાન તેના અન્ય ત્રણ મિત્રો સાથે સાઇકલ પર કાપુરબાવડીથી આશાપુરા માતાની આરતી કરીને યાત્રાપ્રવાસે નીકળ્યો હતો
ધર્મેશ મોતા
થાણેના કાપુરબાવડીના આશાપુરા મંદિરથી કચ્છના આશાપુરા માતાના મઢ પર સાઇકલ પર યાત્રાપ્રવાસે જઈ રહેલા ૩૬ વર્ષના ધર્મેશ મોતા (જોષી)નું વાપીના ચાર રસ્તા પાસે હાર્ટ-અટૅક આવવાથી મૃત્યુ થયું હતું. આ બનાવથી માતાજીના મઢમાં જતા ભાવિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ધર્મેશ અને તેના અન્ય ત્રણ સાથીદારો ગુરુવારે સવારે થાણેના કાપુરબાવડીથી સાઇકલ પર યાત્રાપ્રવાસે નીકળ્યા હતા.
કચ્છી રાજગોર સમાજના અને થાણેમાં ગાર્મેન્ટ્સનો બિઝનેસ કરતા ધર્મેશના અચાનક થયેલા મૃત્યુની માહિતી આપતાં તેની સાથે આશાપુરા માતાના મઢ માટે નીકળેલા મનીષ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધર્મેશ બે વર્ષથી સાઇકલ પર આશાપુરા માતાના મઢ પર દર્શનાર્થે જતો હતો. આ વખતે અમે ચાર મિત્રોએ ગુરુવારે સવારે સાત વાગ્યે માતાજીની આરતી કરી ૮.૧૫ વાગ્યે માતાજીના આશીર્વાદ લઈને સાઇકલ પર યાત્રાની શરૂઆત કરી હતી. હું છેલ્લાં ૧૧ વર્ષથી આશાપુરા સાઇકલ પર મઢનાં દર્શને જઉં છું. અમારા ચાર મિત્રોમાં એક મિત્ર પહેલી વાર આ યાત્રાપ્રવાસમાં જોડાયો હતો. ધર્મેશ અને તે મિત્ર ધીમે સાઇકલ ચલાવતા હતા. તેઓ વચ્ચે-વચ્ચે થાકી પણ જતા હતા. આમ અમે વાપીના ભાનુશાલી સમાજના કૅમ્પથી અડધો કિલોમીટર જ દૂર હોઈશું ત્યારે ધર્મેશે તેની સાથે રહેલા અમારા મિત્ર પાસે પીવાના પાણીની માગણી કરી હતી. તે મિત્રએ તેને પાણી આપ્યું હતું અને તેના માથા પર પણ થાક ઉતારવા માટે પાણી નાખ્યું હતું, પરંતુ તેની સામે જ ધર્મેશ ઢળી પડ્યો હતો. તરત જ તેની સાથે રહેલો ભાનુશાલી મિત્ર તેને હૉસ્પિટલમાં લઈ ગયો હતો. તેણે નજીકના જલારામબાપાના કૅમ્પના સંચાલકો તથા ભાનુશાલી સમાજના અને અમારી સાથેના સ્વયંસેવકોને જાણકારી આપી હતી. ધર્મેશને હૉસ્પિટલમાં ત્યાંના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર સાંભળીને મીરા રોડથી રાજગોર સમાજના અગ્રણીઓ ધર્મેશના મૃતદેહને લેવા વાપી પહોંચી ગયા હતા.’
ADVERTISEMENT
ધર્મેશ ફિટ ઍન્ડ ફાઇન હતો
ધર્મેશ ફિટ ઍન્ડ ફાઇન હતો એમ જણાવતાં ધર્મેશના મોટા ભાઈ કેતન જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધર્મેશ વર્ષો પહેલાં સાઇકલ પર માતાના મઢના યાત્રાપ્રવાસે ગયો હતો. ત્યાર પછી ઘણાં વર્ષોથી તે બાઇક અને કાર લઈને માતાના મઢ માટે જતા યાત્રિકોને સેવા આપતો હતો. આ વખતે તેને ફરી સાઇકલ પર યાત્રાપ્રવાસ કરવાની ઇચ્છા થઈ હતી. તેથી તેના થાણેના મિત્રો મનીષ જોષી, દીપ મીઠિયા અને સુરેશ જાડેજા સાથે તે થાણેથી જ આશાપુરા જવા નીકળ્યો હતો. તેમણે ગુરુવારે રાતે મનોરમાં રાતવાસો કર્યો હતો. ત્યાર પછી ગઈ કાલે સવારે તેમણે યાત્રાપ્રવાસની શરૂઆત કરી હતી. અંદાજે સવાઅગિયાર વાગ્યાની આસપાસ ધર્મેશને અટૅક આવી જતાં તેણે દેહ છોડી દીધો હતો.’
ધર્મેશના પરિવારમાં માતા, પત્ની અને છ વર્ષનો પુત્ર છે એવી માહિતી આપતાં કાંદિવલીમાં રિક્ષા ચલાવતા કેતન જોષીએ કહ્યું હતું કે ‘ધર્મેશ અને અમે બધા કાંદિવલીમાં સાથે રહેતા હતા. જોકે તેને થાણે અપડાઉન કરવાનું હોવાથી રાતના આવવા-જવામાં બહુ મોડું થતું હતું એટલે ધર્મેશ તેના પરિવાર સાથે લૉકડાઉન પછી થાણેમાં રહેવા ગયો હતો. જોકે તેના પુત્રને અમારા પરિવાર વગર ગમતું ન હોવાથી ઘણી વાર તે કાંદિવલીથી અપડાઉન કરતો હતો. ત્યાર પછી અમે નક્કી કર્યું હતું કે અમે થોડા-થોડા દિવસ થાણે આવતા-જતા રહીશું જેથી ધર્મેશને તકલીફ ઓછી પડે. તે ખૂબ જ સેવાભાવી જીવ હતો. હું પણ અનેક વાર યાત્રિકોને સેવા આપવા કૅમ્પમાં જતો હતો. ધર્મેશના મૃત્યુના સમાચારથી અમારો પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.’