ઘરમાં બીમાર વ્યક્તિ માટે તાત્કાલિક પૈસાની જરૂરિયાત છે એમ કહીને આ મહિલા ૯૮.૨૪ ટકા તાંબું અને ૧.૭૬ ટકા ઝિંકવાળા દાગીના પધરાવી ગઈ
પ્રતીકાત્મક તસવીર
બાંદરામાં હિલ રોડ પર આવેલી ચોકસી હમીરલાલ પ્રજ્ઞેશ જ્વેલર્સના માલિક ૩૯ વર્ષના પ્રજ્ઞેશ ચોકસી પાસે એક મહિલાએ આવીને ઘરમાં બીમાર વ્યક્તિ માટે તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું કહ્યું હતું. પછી તેણે પોતાની પાસે રહેલા આશરે સાડાત્રણ તોલા સોનાના દાગીના આપી એની સામે ૨.૩૧ લાખ રૂપિયા લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સોમવારે બાંદરા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. તે મહિલા પાસેથી લીધેલા દાગીના લૅબોરેટરીમાં ટેસ્ટિંગ કરવા મોકલવામાં આવ્યા ત્યારે એમાં ૯૮.૨૪ ટકા તાંબું અને ૧.૭૬ ટકા ઝિંક હોવાનો રિપોર્ટ આવ્યા બાદ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી.
ઘરમાં કોઈ બીમાર હોવાનું કહીને તેના ઇલાજ માટે તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું કહેતાં પ્રજ્ઞેશે વગર બિલે દાગીના વેચાતા લીધા હતા એમ જણાવતાં બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૯ ઑગસ્ટે બપોરે એક મહિલા પ્રજ્ઞેશની દુકાને આવી હતી. તેણે શરૂઆતમાં રડવાનું નાટક કરી પોતાના ઘરમાં કોઈ બીમાર હોવાનું કહીને તેના ઇલાજ માટે તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું કહ્યું હતું. ત્યાર પછી તેણે પોતાના હાથમાં પહેરેલી બંગડીઓ કાઢી પ્રજ્ઞેશને આપીને એ વેચવી છે એમ કહ્યું હતું. એ સમયે પ્રજ્ઞેશ માણસાઈની દૃષ્ટિએ એ બંગડીઓ વેચાતી લેવા તૈયાર થઈ ગયો હતો. એનું વજન કરતાં એ ૩૬ ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. એના બદલામાં તેણે ૨.૩૧ લાખ રૂપિયા મહિલાને આપ્યા હતા. ત્યાર બાદ તે મહિલા હું બિલ પછી તમને આપી જઈશ એમ કહીને નીકળી ગઈ હતી. બે-ત્રણ દિવસ પહેલાં એ બંગડીની ડિઝાઇન પર શંકા આવતાં તેણે લૅબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલતાં એ બંગડીમાં ૯૮.૨૪ ટકા તાંબું અને ૧.૭૬ ટકા ઝિંક હોવાનો રિપોર્ટ આવ્યો હતો. અંતે તેણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’ પ્રજ્ઞેશ ચોકસી પાસેથી વધુ માહિતી મેળવવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કરતાં તે ડૉક્ટર પાસે હોવાથી કોઈ પ્રતિક્રિયા આપી શક્યો નહોતો.