જેમની કામગીરી નબળી રહેશે તેમનાં પત્તાં કટ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે
દેવેન્દ્ર ફડણવીસ
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને અપેક્ષા કરતાં ઘણી ઓછી બેઠક મળી હતી. ત્રણેક મહિનામાં થનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલી ન થાય એ માટે BJPએ સાવચેતીનાં પગલાં લેવાની શરૂઆત કરી હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં જે વિધાનસભા ક્ષેત્રમાં ઓછા મત મળ્યા હતા ત્યાંના BJPના વિધાનસભ્યોને બે મહિનામાં જનસંપર્ક વધારવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, જેમની કામગીરી નબળી જણાશે તેમનાં પત્તાં કટ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં એક મહત્ત્વની બેઠક મળી હતી જેમાં લોકસભાની ચૂંટણીમાં થયેલા પરાજય વિશે ચર્ચા કરવામાં આવી હતી અને વિધાનસભા ક્ષેત્રમાં ઓછા મત મળ્યા હતા ત્યાંના વિધાનસભ્યોને રાજ્ય અને કેન્દ્ર સરકારના કામને લોકો સુધી પહોંચાડવા માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ગઈ કાલની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ અને આસપાસના વિધાનસભ્યો સાથે બેઠક કરી હતી. આજે ઉત્તર મહારાષ્ટ્રના વિધાનસભ્યો સાથે બેઠક કરશે.