Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બ્રેક ફેલ થયા પછી કન્ટેનર અથડાયું કાર સાથે અને પછી સર્જાઈ ટક્કરની હારમાળા

બ્રેક ફેલ થયા પછી કન્ટેનર અથડાયું કાર સાથે અને પછી સર્જાઈ ટક્કરની હારમાળા

Published : 15 July, 2024 08:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ કસારા ઘાટ પર થયેલા અકસ્માતમાં કાંદિવલીના ગુજરાતી પરિવારના કુલ સાત સભ્યો થયા ઘાયલ

અકસ્માત

અકસ્માત


નાશિક–મુંબઈ નૅશનલ હાઇવે નંબર ત્રણ પરના ન્યુ કસારા ઘાટમાં ગઈ કાલે બપોરે ૨.૧૫ વાગ્યે જોરદાર અકસ્માત થયો હતો. ગુજરાતથી લોખંડના ઍન્ગલ ભરીને આવેલા કન્ટેનરના ડ્રાઇવરે આગળ જઈ રહેલી કારને અડફેટે લેતાં એ કાર આગળની કારને અને એમ એક પછી એક એમ પાંચ કાર એકબીજા સાથે અથડાતાં ગંભીર અકસ્માત થયો હતો. એ પછી કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. એમાં ડ્રાઇવરને ગંભીર ઈજા થતાં તેને કસારા ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનામાં કાંદિવલીના ગુજરાતી પરિવારની ખુશ્બૂ જેઠા, હિનલ અને પ્રણિત સહિત કુલ સાત લોકો જખમી થયા હતા. એ લોકોને પહેલાં કસારા ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


હાઇવે પોલીસના ઑફિસરે આ ઘટના વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ન્યુ કસારા ઘાટમાં આવવા-જવાના બે અલગ રોડ છે અને બન્ને તરફ વન-વે રાખવામાં આવ્યો છે. જે જગ્યાએ અકસ્માત થયો ત્યાં ઘાટ ઊતરવાનો ભાગ આવે છે. એ જગ્યાએ કન્ટેનરની બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે એના પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલી કારને પાછળથી કન્ટેનર અથડાવી માર્યું હતું. એથી એ કાર એની આગળની કારને અથડાઈ હતી. આમાં કુલ પાંચ કાર એકબીજા સાથે અથડાતાં જોરદાર અકસ્માત થયો હતો. એ પછી કન્ટેનર આગળ જઈને પલટી ખાઈ ગયું હતું. બે કારમાં કાંદિવલીના બે પરિવારો પ્રવાસ કરી રહ્યા હતા. એ લોકો નાશિક ફરવા ગયા હતા અને મુંબઈ પાછા ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં વિનીત મહેતા, દિવ્યા મહેતા, જિતેશ પીઠડિયા, ફાલ્ગુની પીઠડિયા, ખુશ્બૂ જેઠા, હિનલ અને પ્રણિત ઘાયલ થયાં હતાં. એમાંથી ખુશ્બૂ, હિનલ અને પ્રણિત ગંભીર હોવાનું જણાવાયું હતું.’ 



આ અકસ્માતની જાણ થતાં જ હાઇવે પોલીસ (ઘોટી)ની ટીમ સાથે કસારા પોલીસ, કસારા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને મૃત્યુંજય દૂતની ટીમે રેસ્ક્યુ-ઑપરેશનમાં ભાગ લીધો હતો. ઘાયલ લોકોને નરેન્દ્ર મહારાજ ઍમ્બ્યુલન્સ, ૧૦૮ ઍમ્બ્યુલન્સ અને ઘોટી ટોલનાકાની ઍમ્બ્યુલન્સમાં કસારા ગ્રામીણ હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગાડીઓને બહુ નુકસાન થયું હતું. એથી એ બધી કારને સાઇડ પર કરવામાં આવ્યા બાદ ત્યાંનો ટ્રાફિક પૂર્વવત્ થઈ શક્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2024 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK