ત્રીજા માળના ફ્લૅટમાં ઘૂસીને પોણાચાર લાખ રૂપિયાના દાગીના ચોરીને જતો રહ્યો: દંપતી ઘરમાં સૂતું હતું, તેમને અંદાજ પણ ન આવ્યો
કાંદિવલી પોલીસે ગુજરાતીના ઘરમાં પાઇપ વડે ચડીને ચોરી કરનાર ચોરની ધરપકડ કરી છે. CCTV કૅમેરાના ફુટેજમાં ચોર કેદ થયો હતો.
મુંબઈમાં ઊંચાં બિલ્ડિંગોમાં પાઇપ વડે સ્પાઇડરમૅન સ્ટાઇલથી ચડીને ઘરમાંથી ચોરી કરનાર ચોરની અંતે કાંદિવલી પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ચોરે કાંદિવલીના ગુજરાતી રિટાયર્ડ બૅન્ક ઑફિસરના ઘરે પણ આ રીતે ચોરી કરી છે અને ઘરમાંથી ચોરી થઈ હોવાનો તેમને અંદાજ પણ આવ્યો નહોતો. આરોપી સ્પાઇડરમૅને મુંબઈનાં ઉપનગરોમાં ફક્ત બે અઠવાડિયાંમાં આશરે ૧૧ ચોરી કરી હતી.
કાંદિવલી-વેસ્ટમાં એસ.વી. રોડ પર આવેલા નમન ટાવરમાં રહેતા ૭૨ વર્ષના અરુણ શાહ એક રિટાયર્ડ બૅન્ક ઑફિસર છે. જૂન મહિનામાં થયેલી આ ચોરીની રાતે ઘરનું બધું કામ પૂર્ણ થયા બાદ રાતે દસ વાગ્યે દંપતી બેડરૂમમાં સૂવા માટે ગયું હતું. દરરોજની જેમ ઘરના બધા દરવાજા અને કબાટ તેઓ હંમેશાં બરાબર બંધ કરતા હોય છે. જોકે સવારે સવાચાર વાગ્યે બાથરૂમમાં જવા માટે અરુણ શાહ ઊઠ્યા ત્યારે તેમને બેડરૂમના વૉર્ડરોબના કબાટ ખુલ્લા હોવાનું દેખાઈ આવ્યું હતું. એથી તેમને શંકા ગઈ કે કંઈક ગરબડ થઈ છે. ત્યાં જઈ જોયું તો કબાટની ચાવી એમને એમ હતી. એ બાદ બીજા બેડરૂમમાં જઈને જોયું તો ત્યાંનો કબાટ પણ ખુલ્લો હતો. એ પછી તેમણે બારીકાઈથી તપાસ કરતાં કિચનની વિન્ડો ઊંચકાયેલી દેખાઈ હતી. એ પછી કબાટમાં તપાસ કરતાં એમાંથી સોનાનું સાત ગ્રામનું મંગળસૂત્ર, ચેઇન, બંગડીઓ, ડાયમંડની બુટ્ટી, રોકડ રકમ એમ કુલ ૩ લાખ ૪૪ હજાર રૂપિયાની વસ્તુઓ ને પૈસા ચોરી થયા હોવાનું દેખાઈ આવ્યું હતું.
ADVERTISEMENT
આ ચોરી વિશે અરુણ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતના સમયે ઊંઘમાં હોવાથી ચોર ઘૂસ્યો હોવાનો અંદાજ આવ્યો નહોતો. અમારું ૧૬ માળનું બિલ્ડિંગ છે અને અમે ત્રીજા માળે રહીએ છીએ. ચોર કિચનની સ્લાઇડિંગ લૂઝ હોવાથી એમાંથી ઘૂસ્યો અને બીજા બેડરૂમમાં ગયો અને ત્યાં કબાટ ખુલ્લો ન હોવાથી અમે જે બેડરૂમમાં ઊંઘી રહ્યાં હતાં ત્યાં આવીને તેણે ચાવી શોધી લીધી હતી. એ બાદ તેણે ચાવી લઈને શોધખોળ કરીને દરવાજો ખોલ્યો હતો. મારી પત્નીના દાગીના ચોરી લીધા છે. ચોરને પોલીસે પકડી પાડ્યો છે, પરંતુ હજી સુધી ચોરીમાં ગયેલી કોઈ વસ્તુ મળી નથી. ચોરે અનેક ઠેકાણે ચોરી કરી હોવાથી તેને એક પોલીસ-સ્ટેશનથી બીજા પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવી રહ્યો છે.’
પોલીસનું શું કહેવું છે?
આ ચોરીના બનાવ વિશે કાંદિવલીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ગણોરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચોરે રાતે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે આ ચોરી કરી છે. બિલ્ડિંગના પાઇપ વડે ઉપર ચડ્યો હતો અને કિચનની બારીમાંથી ઘૂસ્યો હતો. ચોર ત્યાં રહેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં કેદ થયો હતો. એથી ચોરની તપાસ કરીને અંધેરીમાં રહેતા સંતોષ ચૌધરી ઉર્ફે વૈતુ નામના ચોરની ધરપકડ કરી છે. આ મુખ્ય આરોપી સંતોષ સાથે તેના બે સાથીદારોની ધરપકડ કરી છે. બે અઠવાડિયાંમાં આરોપીઓએ બોરીવલી, MHB કૉલોની, કાંદિવલી અને ગોરેગામમાં આશરે ૧૧ ચોરી કરી છે. ચોર પાસેથી રિકવરી કરી અને અન્ય ચોરીના કેસની તપાસ માટે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.’