ટીનેજરના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને બે લૂંટારા ભાગી ગયા, પણ પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે પકડી પાડ્યા
ગોરેગામ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.
મુંબઈ : ગોરેગામ પોલીસે મોતીલાલનગર વિસ્તારમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થિનીના ગળામાંથી ચેઇન-સ્નૅચિંગ કરીને ભાગી ગયેલા બે લૂંટારાઓની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી આરોપીઓની ધરપકડ કરી હતી.
ગોરેગામ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દત્તાત્રય થોપટેએ જણાવ્યું હતું કે ‘૨૨ ફેબ્રુઆરીએ સાંજે સાડાચાર વાગ્યે એક વિદ્યાર્થિની પ્રાઇવેટ ક્લાસિસમાં જઈ રહી હતી. એ વખતે બે યુવકો તેની પાછળ-પાછળ ચાલી રહ્યા હતા. વિદ્યાર્થિનીનો પીછો કર્યા બાદ રસ્તા પર વધુ કોઈ અવરજવર ન દેખાતાં બળજબરીથી તેની પાસેથી આઠ ગ્રામની સોનાની ચેઇન ખેંચીને તેઓ ભાગી ગયા હતા. વિદ્યાર્થિનીએ તેમનો વિરોધ કર્યો હતો અને બૂમો પાડી હતી, પરંતુ બન્ને લૂંટારાઓ તેને ધક્કો મારીને ભાગી ગયા હતા. આ ઘટના બાદ વિદ્યાર્થિનીએ તેની માતાને સમગ્ર ઘટનાની વિગતો જણાવી હતી. માતાની ફરિયાદ પર ગોરેગામ પોલીસે બન્ને લૂંટારાઓ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. ગોરેગામ પોલીસ સ્ટેશનની તપાસ ટીમે ઘટનાસ્થળની આસપાસનાં ૩૦થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ શોધી કાઢ્યાં હતાં.’
ADVERTISEMENT
આ કેસ વિશે જણાવતાં પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને વધુમાં જણાવ્યું હતું કે ‘અનેક ફુટેજ તપાસ્યા બાદ એમાંથી આરોપીઓની ઓળખ થઈ હતી. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં આરોપીઓ ઘટનાસ્થળે બાઇક પર વિદ્યાર્થિનીનો પીછો કરતા જોવા મળ્યા હતા. આરોપીઓની ઓળખ થયા બાદ પોલીસે ટેક્નિકલ માહિતી મેળવી હતી. આરોપીઓને પોલીસે ફૉલો કરીને રાતના સમયે ગોરેગામ વિસ્તારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને જેલ-કસ્ટડીનો આદેશ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ ૨૨ વર્ષનો જનેન્દ્ર નરસિંગરાવ કોયા ઉર્ફે જાની અને ૨૨ વર્ષનો હૃષીકેશ પ્રકાશ દળવી ઉર્ફે બાબુ કાલ્યા છે. બન્ને ગોરેગામના વિવિધ પરિસરમાં રહે છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને આરોપીઓ ખૂબ ચતુર ચોર છે. તેમની સામે દહિસર પોલીસ સ્ટેશન અને બાંગુરનગર પોલીસ સ્ટેશન સહિત અન્ય સ્થળોએ ઘરમાં ચોરી અને લૂંટના અડધો ડઝનથી વધુ કેસ છે.’