આ ઘટના જે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝિલાઈ છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કોલ્હાપુરના ઉજગાવમાં શુક્રવારે રાતે એક જોરદાર ઍક્સિડન્ટ થયો હતો અને એનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર બહુ જ વાઇરલ થયો હતો, જેમાં એક પૂરઝડપે જઈ રહેલી કાર રસ્તે જતા રાહદારીને અડફેટે લે છે અને એ પછી આ ઘટના જે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝિલાઈ છે એની સામે જ તે રાહદારી ઊછળીને પટકાય છે એવું દેખાઈ રહ્યું હતું. એથી રાહદારી જે સ્પીડે ઊંચે ઊછળીને પટકાયો તો મૃત્યુ જ પામ્યો હોવો જોઈએ એવી આશંકા સોશ્યલ મીડિયામાં વ્યક્ત થઈ રહી હતી. જોકે તે વ્યક્તિ નસીબનો બળિયો નીકળ્યો અને બચી ગયો છે એટલું જ નહીં, તેને ગંભીર ઈજા પણ નથી થઈ.
આ અકસ્માત બાબતે કોલ્હાપુરના ઉજગાવ વિસ્તારના ગાંધીનગર પોલીસ-સ્ટેશનમાં તપાસ કરતાં ત્યાંના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દીપક જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પણ એ વિડિયો જોયો છે. જોકે હકીકત એ છે કે તે રાહદારી રોહિત હાપે કામ પરથી પાછો આવી રહ્યો હતો ત્યારે કારે તેને અડફેટે લીધો એ વાત સાચી, પણ તે ઊછળીને કૅમેરા સામે પટકાયો નથી. તેના હાથમાંની થેલી ઊછળીને કૅમેરા સામે ગઈ હતી. તે કારની અડફેટે આવતાં બાજુ પર પટકાયો હતો અને સદનસીબે તેને ગંભીર ઈજા પણ થઈ નથી. તેને ડી. વાય. પાટીલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. તેનું CT સ્કૅન અને MRI પણ કરાવાયું છે જેમાં તેને ફક્ત મૂઢ માર લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. બે દિવસ બાદ તેને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. બીજી બાજુ અમે એ સંદર્ભે ગુનો નોંધી કાર-ડ્રાઇવરને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એ સફેદ રંગની હ્યુન્દાઇ ક્રેટા કાર છે એટલી જાણ થઈ છે, પણ ઝડપ વધુ હોવાથી એનો નંબર દેખાઈ નથી રહ્યો. અમે એના ડ્રાઇવરની શોધ ચલાવી રહ્યા છીએ.’