ઘાટકોપરમાં બનેલા આ બનાવમાં માલિકને ચોરીની ખબર ન પડે એ માટે તેણે ઓછા વજનવાળા દાગીના શોકેસમાં રાખી દીધા
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપરમાં બાગ્રેચા જ્વેલર્સના નામે દુકાન ધરાવતા ૫૧ વર્ષના સંપત પરમાર પાસે નોકરી કરતા પ્રકાશ ગુર્જરે જુલાઈની શરૂઆતમાં દુકાનમાંથી આશરે આઠ લાખ રૂપિયાના દાગીના સેરવી લીધા હોવાની ફરિયાદ બુધવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. જુલાઈમાં સંપતભાઈ બહારગામ ગયા હોવાથી પ્રકાશ પર વિશ્વાસ રાખીને તેને દુકાન સંભાળવા માટે આપી હતી. એ દરમ્યાન પ્રકાશે વજનવાળા દાગીના શોકેસમાંથી કાઢીને એના જેવા સેમ દાગીના ઓછા વજનના તૈયાર કરીને રાખી દીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સંપત પરમારે આ બનાવ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર ત્રણ મહિને અમારી દુકાનનો સ્ટૉક ચેક કરવામાં આવે છે, જે હાલમાં કરવામાં આવ્યો એમાં આશરે આઠ લાખ રૂપિયાના દાગીના ઓછા હોવાનું જણાઈ આવ્યું હતું એટલે અમે તાત્કાલિક દુકાનમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાં મારી દુકાનમાં આઠ મહિનાથી કામ કરતા પ્રકાશ ગુર્જરે પહેલીથી દસમી જુલાઈ વચ્ચે તમામ દાગીના સેરવી લીધા હોવાનું દેખાઈ આવ્યું હતું. પ્રકાશને મેં ઘરની વ્યક્તિ કરતાં પણ વિશેષ રાખ્યો હતો એટલે જ્યારે હું ફૅમિલી-પ્રોગ્રામમાં બહારગામ ગયો ત્યારે દુકાન તેના ભરોસે છોડીને ગયો હતો. ૨૨ જુલાઈએ દુકાનમાં રાખેલા તમામ સ્ટૉક વિશે માહિતી કાઢતાં જે શોકેસમાં દાગીના હતા એમાં ટૅગિંગ મળ્યું નહોતું એટલે એ દાગીનાની સ્ટૉકમાં માહિતી કાઢીને એનું વજન કર્યું ત્યારે એ દાગીનાનું વજન ઓછું હતું. આવી રીતે મંગળસૂત્ર, ચેઇન, વીંટી જેવા દાગીના જે શોકેસમાં રાખ્યા હતા એ ઓરિજિનલ દાગીના કાઢીને એની જગ્યાએ ખોટા દાગીના રાખ્યા હોવાવું પ્રકાશમાં આવતાં મેં આ ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’