ધારદાર માંજાને લીધે વાકોલામાં એક સિક્યૉરિટી ગાર્ડને, વસઈમાં બાળકને અને વિલે પાર્લેમાં મહિલાને ગંભીર ઈજા
શિલ્પા મહાડિક, જલિન્દર મેમા અને વસઇનો ઇજાગ્રસ્ત બાળક
મુંબઈ ઃ ઉત્તરાયણના દિવસે મુંબઈમાં જુદી-જુદી જગ્યાએ માંજાને લીધે ગંભીર ઈજાઓ થવાની ઘટના બની હતી. પહેલી ઘટના વેસ્ટર્ન એક્સપ્રેસવે પર બની હતી. વાકોલા ટ્રાફિક ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યા અનુસાર જાલિન્દર મેમા નામના ચોકીદાર તરીકે કામ કરતા ૪૨ વર્ષના્ શખ્સના ગળામાં માંજો લપેટાઈ ગયો હતો. લોકલ લોકો ટૅક્સીની વ્યવસ્થા કરી તેને વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. આ ઘટના સાંજે પાંચ વાગ્યે સેટોર બ્રિજ પાસે બની હતી. બીજી એક ઘટના વસઈના નવ વર્ષના બાળક સાથે જ્યારે ત્રીજો બનાવ વિલે પાર્લેની શિલ્પા મહાડિક નામની મહિલા સાથે બન્યો હતો.
વી. એન. દેસાઈ હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે પેશન્ટને લાવવામાં આવ્યો ત્યારે તેના ગળામાંથી લોહી વહેતું હતું. વિલે પાર્લે પોલીસનાં સિનિયર પીઆઈ રેણુકા બુવાએ જણાવ્યું કે અમે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધ્યો છે. મેમાને રજા આપવામાં આવી છે. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૩૮ (ગંભીર નુકસાન પહોંચાડવા) અને ૧૮૮ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બીજી ઘટના વસઈ-વેસ્ટમાં ૯ વર્ષના એક છોકરા સાથે બની હતી, જ્યારે તે રવિવારે સાંજે મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે તેના પગની ઘૂંટી ગ્લાસ કોટેડ માંજાના ક્લચથી કપાઈ ગઈ હતી. તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી, જે મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં સાડાચાર કલાક સુધી ચાલી હતી.
બાળકે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મારા મોટા ભાઈ અને મિત્રો પતંગ ઉડાડતા હતા અને હું તેમને માટે પતંગ પકડી રહ્યો હતો. જમીન પર માંજાનો ગુચ્છો રાખવામાં આવ્યો હતો. ત્યાંથી પસાર થતી એક મોટરસાઇકલમાં એ ફસાયો અને મારી પગની ઘૂંટી કપાઈ ગઈ હતી.’
બાળકની સારવાર કરનાર અપ્પાશેઠ થોરાત મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ અને ક્રિટિકલ સેન્ટરના માલિક ડૉ. પ્રવીણ થોરાતે જણાવ્યું કે ‘બાળકનો ઘા મોટો હતો, પરંતુ ઘાની આસપાસ ચુસ્ત રીતે બાંધેલા કપડાને કારણે વધુ લોહી વહેતું અટક્યું હતું. સાડાચાર કલાક સર્જરી ચાલી હતી.’
બાળકના પિતા નિસાર શેખ લોઅર પરેલમાં ગાર્મેન્ટ ડિઝાઇનર તરીકે કામ કરે છે.
ત્રીજી ઘટના વિલે પાર્લેમાં જ બની હતી. ૩૦ વર્ષની શિલ્પા મહાડિક સ્કૂટર પર મમ્મીને મળવા જઈ રહી હતી ત્યારે ગ્લાસ કવર્ડ માંજો તેના મોઢાના ભાગે વીંટળાઈ ગયો હતો. તેણે સ્કાર્ફ પહેર્યો હોવાથી તે બચી ગઈ હતી, નહીંતર તેની ગરદન કપાઈ ગઈ હોત. મહિલાની સર્જરી સાંતાક્રુઝના ડૉક્ટર્સે કરી હતી, જે ત્રણ કલાક ચાલી હતી.