Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રિક્ષાવાળાની સમયસૂચકતાએ બચાવ્યા ૫૩ રહેવાસીના જીવ

રિક્ષાવાળાની સમયસૂચકતાએ બચાવ્યા ૫૩ રહેવાસીના જીવ

Published : 28 July, 2024 07:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈમાં પત્તાંના મહેલની જેમ પડી ગયેલું માત્ર ૧૧ વર્ષ જૂનું ત્રણ માળનું બિલ્ડિંગ હતું ગેરકાયદે

ગઈ કાલે પરોઢના નવી મુંબઈમાં તૂટી  પડેલું ત્રણ માળનું ઇન્દિરા બિલ્ડિંગ.

ગઈ કાલે પરોઢના નવી મુંબઈમાં તૂટી પડેલું ત્રણ માળનું ઇન્દિરા બિલ્ડિંગ.


પરોઢિયે સાડાચાર વાગ્યે બિલ્ડિંગના રિક્ષાવાળાએ પિલરના તૂટવાનો અવાજ સાંભળતાં ત્યાં રહેતા લોકોને અલર્ટ કરીને બહાર કાઢ્યા : મોટા ભાગના લોકો બહાર આવ્યા એની પાંચ જ મિનિટમાં મકાન થયું જમીનદોસ્ત : અંદર દટાયેલા ત્રણેયનાં થયાં મૃત્યુ


નવી મુંબઈમાં ગઈ કાલે પરોઢિયે વરસાદ પડી રહ્યો હતો ત્યારે બેલાપુર સેક્ટર ૧૯માં આવેલા શાહબાઝ ગામનું ત્રણ માળનું ઇન્દિરા બિલ્ડિંગ ગઈ કાલે સવારે સાડા ચાર વાગ્યે પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યું હતું. આ ઘટના બની એના થોડા સમય પહેલાં બિલ્ડિંગમાં રહેતો રિક્ષાવાળો આવ્યો હતો. તેણે બિલ્ડિંગના પિલર તૂટવાનો અવાજ સાંભળ્યો હતો એટલે તરત જ બિલ્ડિંગના લોકોને જગાડ્યા હતા અને અલર્ટ કરી દીધા હતા. વરસતા વરસાદમાં પરોઢિયાની મીઠી ઊંઘ માણી રહેલા રહેવાસીઓ તરત જાગ્યા હતા અને ત્વરિત નિર્ણય લઈને જીવ બચાવવા બિલ્ડિંગની બહાર દોડી ગયા હતા. ૧૫ જ મિનિટમાં બિલ્ડિંગના મોટા ભાગના રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા. જોકે ત્યાર બાદ પાંચ જ મિનિટ પછી તેમની નજર સામે જ તેમનું બિલ્ડિંગ પત્તાંના મહેલની જેમ કડડડભૂસ થઈ ગયું હતું અને તેઓ એ સજળ આંખે એ જોઈ રહ્યા હતા. અનેક લોકો ગમગીનીમાં સરી પડ્યા હતા અને રડી પડ્યા હતા. જોકે લોકોએ બિલ્ડિંગમાં રહેતા રિક્ષાવાળાનો આભાર માન્યો હતો જેણ‌ે તેમને બચાવી લીધા હતા. જોકે ત્રણ જણ બહાર ન આવતાં બિલ્ડિંગના કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. તેમને બહાર કાઢીને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પણ ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં.



તૂટી પડેલું ઇન્દિરા બિલ્ડિંગ ૨૦૧૩માં બાંધવામાં આવ્યું હતું. એમાં ત્રણ દુકાનના ગા‍ળા અને ૧૭ ફ્લૅટ હતા. બિલ્ડિંગમાં રહેતા બાકીના ૪૦ ઍડલ્ટ અને ૧૩ બાળકો સુખરૂપ છે. બિલ્ડિંગ તૂટી પડવાથી એની નીચે પાર્ક કરવામાં આવેલાં ઘણાં બધાં ટૂ-વ્હીલર એના કાટમાળ નીચે દબાઈ ગયાં છે. ૧૭ પરિવારે વસાવેલાં ઘર તેમની નજર સામે હતાં-નહોતાં થઈ ગયાં હતાં. એમાં રહેતા મોટા ભાગના પરિવારો હાલ પહેરેલાં કપડે રસ્તા પર આવી ગયા છે. તેમનું જે કંઈ હતું એ બધું હાલ એ કાટમાળ નીચે દટાયેલું છે.  


નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અસિસ્ટન્ટ કમિશનર શશિકાંત તાંડેલે આ બાબતે કહ્યું હતું કે ‘૨૦૦૯માં આ બિલ્ડિંગ ગેરકાયદે ઊભું કરી દેવાયું હતું. જમીનમાલિક શરદ વાઘમારેના એ પ્લૉટ પર ડેવલપર મહેશ કુંભારે એ બિલ્ડિંગ ઊભું કરી નાખ્યું હતું. એથી અમે તેમને ૨૦૧૧માં એ માટે નોટિસ પણ આપી હતી આમ છતાં તેમણે બિલ્ડિંગ બનાવ્યું હતું. હવે તે બન્ને સામે ગુનો નોંધવામાં આવશે. બિલ્ડિંગના રસ્તા પર આવી ગયેલા રહેવાસીઓને હાલ નાઇટ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. જે લોકો આ ઘટનામાં દોષી જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2024 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK