હેમાલી કહે છે, ‘નાથદ્વારાના મંદિરથી થોડેક દૂર શિવજીનું સૌથી ઊંચું સ્ટૅચ્યુ ઑફ બિલીફ બન્યું છે એ પણ ક્રીએટ કર્યું છે
ગણપતિ બાપ્પા
કાંદિવલી-ઈસ્ટમાં રહેતાં હેમાલી પરીખને ત્યાં દોઢ દિવસના ગણેશજી પધાર્યા હતા. આ વખતે તેમણે નાથદ્વારાના મંદિરની રેપ્લિકા તૈયાર કરી હતી. હેમાલીબહેન કહે છે, ‘મારા ઘરમાં નાથદ્વારામાં શ્રીનાથજીની જેવી મૂર્તિ છે એવા જ લુકવાળી ગણેશજીની મૂર્તિ અમે તૈયાર કરી હતી. જસ્ટ ૨૪ ઇંચની મૂર્તિ હતી અને આભૂષણો પણ શ્રીનાથજીને પહેરાવે એવાં જ હતાં. જોકે એની સાથે મેં લગભગ દોઢથી બે ફુટનું નાથદ્વારાનું મંદિર તૈયાર કર્યું હતું.’
આ મંદિર સાઇઝમાં ટચૂકડું છે, પણ એ અદલોઅદ્દલ નાથદ્વારાની રેપ્લિકા છે. કમળ ચોક, દૂધઘર, પાનઘર બધું એ જ રીતે છે. સ્ત્રીઓ અને પુરુષો માટેની અલગ એન્ટ્રી પણ એમાં દર્શાવી છે. મહાપ્રભુજી પણ એમાં છે અને નરેન્દ્ર મોદી આ વખતે દર્શન કરવા ગયા એ પરથી મોદીજીની પ્રતિકૃતિ પણ છે. હેમાલી કહે છે, ‘નાથદ્વારાના મંદિરથી થોડેક દૂર શિવજીનું સૌથી ઊંચું સ્ટૅચ્યુ ઑફ બિલીફ બન્યું છે એ પણ ક્રીએટ કર્યું છે અને એને જોડતો રોડ અને રોડ પર ગાડીઓ પણ મૂકી છે. શિવજીના ૩૬૯ ફુટના સ્ટૅચ્યુની રેપ્લિકા પણ મેં હાથથી જ તૈયાર કરી છે. તમામ ડેકોરેશન મેં કાર્ટન બૉક્સનાં પૂંઠાંને કાપીને અને રંગીને કર્યું હતું. શિવજી પાસે જે ત્રિશૂળ મૂક્યું છે એ પણ શિખંડી કૈલાસથી લાવેલું છે.’
ADVERTISEMENT
હિન્દુવિરોધી માહોલ વચ્ચે પણ બંગલાદેશી ક્રિકેટર લિટન દાસના ઘરે થઈ ગણેશજીની પધરામણી થઈ
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી જે હિન્દુવિરોધી માહોલ રચાયો હતો એ પછી પણ બંગલાદેશી હિન્દુ ક્રિકેટર લિટન દાસે પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરી હતી. તેણે સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘ભગવાન ગણેશ તમને શક્તિ આપે, તમારા દુ:ખનો નાશ કરે અને તમારા જીવનમાં ખુશીઓ વધે. ગણેશચતુર્થીની શુભકામનાઓ.’ તે તેની પત્ની દેવશ્રી બિસ્વાસ સોનચિતા સાથે શિવરાત્રિ અને દુર્ગાપૂજા જેવા હિન્દુ તહેવારો પણ ઊજવે છે. ૨૦૧૯માં બન્નેએ બંગાળી રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં.