સોશ્યલ મીડિયા પર સ્ટૉકમાર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરીને વધુ પૈસા કમાવાની જાહેરાત જોઈને એ ગ્રુપમાં જોડાયા અને પછી સાઇબર ગઠિયાએ વાતોમાં ફસાવી ધીરે-ધીરે કરીને ફરિયાદી પાસેથી આટલા પૈસા પડાવી લીધા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : સાંતાક્રુઝમાં રહેતા એક રિયલ એસ્ટેટ એજન્ટે સોશ્યલ મીડિયા પર શૅરમાર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરીને વધુ પૈસા કમાવા માટેની જાહેરાત જોઈ હતી. એમાં વધુ માહિતી લીધા બાદ તેઓ એક સોશ્યલ મીડિયા ગ્રુપ સાથે જોડાયા હતા. ત્યાર બાદ સાઇબર ગઠિયાએ ઇન્વેસ્ટમેન્ટના નામે વાતો-વાતોમાં ફરિયાદી પાસેથી ધીરે-ધીરે કરીને ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હતા. ઇન્વેસ્ટ કરેલા પૈસા ફરિયાદીને પાછા ન મળતાં અને પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં આ ઘટનાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી છે.
સાંતાક્રુઝ-પશ્ચિમમાં વી. પી. રોડ પર આર્યસમાજ સ્કૂલ નજીક એક સોસાયટીમાં રહેતા અને રિયલ એસ્ટેટ એજન્ટનો વ્યવસાય કરતા ૫૮ વર્ષના સમીર ગાડોડિયાએ કરેલી ફરિયાદ અનુસાર રવિવારે તેઓ ઇન્સ્ટાગ્રામ પર બ્રાઉઝ કરી રહ્યા હતા ત્યારે શૅર ખરીદવા અને મોટો ફાયદો મેળવવા વિશેની એક લિન્ક મળી હતી. એ લિન્ક પર જતાં તેઓ વૉટ્સઍપ ગ્રુપમાં સ્ટૉક ઍડ્વાઇઝરી ક્લબમાં જોડાયા હતા. આ ગ્રુપમાં જોડાતાં તેમને શૅરની ખરીદી અને વેચાણ સંબંધી સંદેશા મળવા લાગ્યા હતા. ફરિયાદીએ શૅર ખરીદવામાં રસ દર્શાવ્યા પછી વધુ એક લિન્ક તેમના મોબાઇલ પર પ્રાપ્ત થઈ હતી, જેમાં ખાતું ખોલવા માટે ક્લિક કરવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ એ લિન્ક પરથી ૨.૮૫ લાખ રૂપિયાના શૅર ખરીદ્યા હતા. અંતે ડિપોઝિટની રકમ અને શૅરનો નફો મળીને આશરે ત્રણ લાખ રૂપિયાની રકમ ફરિયાદીએ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે રકમ નીકળી નહોતી. વધુ માહિતી લેતાં જાણવા મળ્યું હતું કે તેમનું અકાઉન્ટ બ્લૉક કરવામાં આવ્યું છે. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં આ ઘટનાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી છે.
ADVERTISEMENT
સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર છેતરપિંડીથી બચવા માટે રાજય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા જાહેરાતો કરવામાં આવે છે. જોકે નાગરિકો પૈસા કમાવાની લાલચમાં સાઇબર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.’