બીએમસી દ્વારા કૂતરાંઓની નસબંધી કરવા લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. ૨૦૧૪થી ગયા વર્ષના અંત સુધીમાં ૩,૮૮,૦૦૦ ડૉગીની નસબંધી કરાઈ છે.
Crime News
ફાઈલ તસવીર
મુંબઈમાં ભટકતા ડૉગીની સમસ્યા રોજેરોજ વધતી જાય છે. બીએમસી દ્વારા એમની વસ્તી નિયંત્રણમાં રહે એ માટે એમને પકડીને નસબંધી કરવામાં આવી રહી છે. આમ છતાં છેલ્લાં બે વર્ષમાં ૧,૧૨,૭૬૯ મુંબઈગરાઓને રસ્તે રખડતા ડૉગી કરડ્યા હોવાના બનાવ નોંધાયા છે. એથી મુંબઈગરાઓ માટે આ એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે.
બીએમસી દ્વારા એમની નસબંધી કરવા લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. ૨૦૧૪થી ગયા વર્ષના અંત સુધીમાં ૩,૮૮,૦૦૦ ડૉગીની નસબંધી કરાઈ છે. આમ છતાં ડૉગીની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે.
ADVERTISEMENT
આ સંદર્ભે બીએમસીના એક ઑફિસરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે ડૉગીને મારી નાખવા પર બંધી છે. એમને પણ જીવવાનો હક છે. હવે બને છે એવું કે એક વખતની ડિલિવરીમાં માદા ડૉગી છથી સાત ગલૂડિયાંને જન્મ આપે છે. એથી એમની વસ્તી દિવસે-દિવસે વધતી જાય છે, જ્યારે એ સામે નસબંધી કરાતા ડૉગીની સંખ્યા ઓછી હોય છે. ડૉગીની નસબંધી કરવી એ એકમાત્ર મુદ્દો નથી. હવે નસબંધી કરવા પણ ડૉગીને પકડવા સ્કિલ્ડ સ્ટાફ હોવો જોઈએ. એમને સેન્ટર સુધી લાવવા ખાસ પ્રકારના લૉજિસ્ટિક્સની જરૂરિયાત પડે છે. એથી અમે આ માટે ઘણાં બધાં એનજીઓની સહાય લઈએ છીએ. એનજીઓ પણ ડૉગીની નસબંધી કરે છે. એમને જે ખર્ચ આવે એ પાછળથી અમે તેમને રીઇમ્બર્સ કરી દઈએ છીએ. હવે એવું નથી કે જે ડૉગીની નસબંધી કરી હોય એ કરડે નહીં. એ પણ કરડી શકે છે. એથી આ બાબત ડૉગ પૉપ્યુલેશન મૅનેજમેન્ટની છે, જે બહુઆયામી છે. મૂળમાં અમારે ઍનિમલ વેલ્ફેરને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે. એમાં ડૉગીને કોઈ અન્યાય ન થવો જોઈએ. એક અન્ય બાબત એ છે કે ડૉગી એમના એક ચોક્કસ વિસ્તારમાં રહેતા હોય છે. જો આપણે મુંબઈની વાત કરીએ તો સાઉથ મુંબઈમાં ઓછા સ્ટ્રે ડૉગ્સ દેખાશે, જ્યારે અંધેરીમાં એમની સંખ્યા વધુ જણાઈ આવશે. એમ એમની વસ્તી એમના ભૌગોલિક રહેણાક પર પણ ડિપેન્ડ કરતી હોય છે. માનવીય વસ્તી અને ડૉગનો એક રેશિયો હોય છે, જે મુજબ એમની વધ-ઘટ થતી રહી છે. વધુ ને વધુ એનજીઓ આ માટે આગળ આવે એ જરૂરી છે, કારણ કે સરકારી સ્તરે એમને ટેકલ કરવા પૂરતું નથી. અત્યારે ખરું જોવામાં આવે તો ડૉગીની વસ્તી સ્ટેબલ છે, પણ અમે એમની નસબંધી કરી એ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
આ પણ વાંચો : કૂતરો કરડ્યાનાં ૧૨ વર્ષ બાદ માલિકને ૩ મહિનાની જેલની સજા કરવામાં આવી