પુત્ર તરીકે બે વર્ષ ઘરમાં રહીને પ્રૉપર્ટી, રૅશન અને આધાર કાર્ડમાં પોતાનું નામ ચડાવી લેતાં ભાંડો ફૂટ્યો
નકલી પુત્ર અને સાધુ તરીકે પકડાયેલો એકનાથ શિંદે.
કોઈ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી ઘટના સાતારામાં બની છે. ૨૭ વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો પુત્ર હોવાનું કહીને એક સાધુએ ઘરમાં એન્ટ્રી મારી હતી. બે વર્ષ ઘરમાં મમ્મી સાથે રહ્યા બાદ પરિવારની મિલકત અને રૂપિયા પર પોતાનો દાવો કરનારા નકલી સાધુનો ભાંડો ગામવાસીઓએ પોલીસની મદદથી ફોડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સાતારાની દહીવડી પોલીસના જણાવ્યા મુજબ અહીંના શિંદી બુદ્રુક ગામમાં એક મહિલાનો એકનો એક પુત્ર સોમનાથ કુચેકર ૧૯૯૭માં ખોવાઈ ગયો હતો. ખૂબ તપાસ કર્યા પછી પણ પુત્રનો પત્તો નહોતો મળ્યો. ૨૦૨૨માં એક માણસ આ પરિવારના ઘરમાં અચાનક સાધુના વેશમાં આવ્યો હતો અને મહિલાને પગે લાગીને કહ્યું હતું કે તે તેનો ખોવાઈ ગયેલો પુત્ર છે. આ મહિલા અને તેની પરિણીત પુત્રીને આ સાધુની વાત સાચી લાગી હતી. સાધુ આ મહિલાના ઘરમાં બે વર્ષ રહ્યો હતો. એ દરમ્યાન તેણે રૅશન કાર્ડ, પ્રૉપર્ટી કાર્ડ અને આધાર કાર્ડ સહિતના તમામ ડૉક્યુમેન્ટ્સમાં પોતાનું નામ ચડાવી લીધું હતું. ગયા વર્ષે મહિલાનું મૃત્યુ થતાં આ સાધુએ જ પુત્ર તરીકે મહિલાની અંતિમક્રિયા સહિતનાં તમામ કાર્ય પાર પાડ્યાં હતાં. જોકે બાદમાં તે એક વર્ષ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. મંગળવારે પેલો સાધુ ફરી ગામમાં આવ્યો હતો અને તેણે મહિલાનું શ્રાદ્ધ કર્યું હતું. જોકે ગામવાસીઓને આ સાધુ પર શંકા ગઈ હતી એટલે પોલીસને જાણ કરી હતી. પોલીસે સાધુની પૂછપરછ કરતાં તે મહિલાનો પુત્ર સોમનાથ કુચેકર નહીં પણ એકનાથ રઘુનાથ શિંદે હોવાનું કબૂલ્યું હતું. તે મૂળ જળગાવના જામનેરનો રહેવાસી છે. આથી પોલીસે આ નકલી સાધુ અને નકલી પુત્રની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.