વસઈના વાલિવ વિસ્તારમાં આવેલી આ કંપનીના મારવાડી માલિકને એક કરોડ રૂપિયાનું નુકસાન થયું
ગુરુવારે રાત્રે લાગેલી આગમાં મિક્સર બનાવતી મહાવીર ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાખ થઈ ગઈ હતી.
ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે આવાં વાહનોની બૅટરીમાં બ્લાસ્ટ થવાના મામલા પણ વધી રહ્યા છે. વસઈ-ઈસ્ટના વાલિવ વિસ્તારમાં ગોલાની નાકા પાસે આવેલા એ. વી. ઉદ્યોગ નામના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રિક વાહનોની બૅટરીનું ઍસેમ્બલિંગ કરવાનું કામકાજ થાય છે. ગુરુવારે રાત્રે ૧૧ વાગ્યે બૅટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો મોટો હતો કે પહેલા માળે આવેલા ૧૦૫ નંબરના ગાળામાં આગ ફેલાઈ હતી. જોતજોતામાં આ ગાળામાં રાખવામાં આવેલો મિક્સર બનાવવાનો સામાન આગની ઝપટમાં આવી ગયો હતો. મિક્સર બનાવવાની કંપનીમાં મોટા પ્રમાણમાં બૉક્સ હતાં એને લીધે આગ ફેલાઈ હતી એટલે ગાળામાં રાખેલા સામાનની સાથે માળિયું પણ તૂટી ગયું હતું. આગની જાણ કરવામાં આવતાં આચોલે ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ કલાકે આગ કાબૂમાં આવી હતી.
ભાઈંદરમાં રહેતા માંગીલાલ જૈન અને તેમનો પુત્ર વસઈના વાલિવ વિસ્તારમાં ગોલાની નાકા પાસે આવેલા એ. વી. ઉદ્યોગના બિલ્ડિંગ-નંબર એકમાં ૧૦૫ નંબરના ગાળામાં મહાવીર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં મિક્સર બનાવવાનું કામકાજ કરે છે. ગુરુવારે રાત્રે ૯ વાગ્યે તેઓ કંપની બંધ કરીને ઘરે ગયા હતા. રાતના સાડાઅગિયાર વાગ્યે તેમને કોઈકે ફોન કરીને જાણ કરી કે તેમની કંપનીમાં આગ લાગી છે.
ADVERTISEMENT
આ ઘટના વિશે માંગીલાલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે રવિ અસાવા નામના એક પાર્ટનર સાથે મિક્સર બનાવવાનું કામકાજ મહાવીર ઇન્ડસ્ટ્રીઝના નામે કરીએ છીએ. ગઈ કાલે રાત્રે અમારા ગાળાની નીચે આવેલી ઇલેક્ટ્રિક વાહનોની બૅટરીનું ઍસેમ્બલિંગનું કામકાજ કરતી કંપનીમાં બૅટરીમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો ખૂબ મોટો હતો એટલે આગ પહેલા માળના અમારા ગાળા સુધી પહોંચી હતી. ગાળામાં એક કરોડ રૂપિયાની કિંમતના બૉક્સ અને મિક્સરની પ્લાસ્ટિકની બોડી સહિતની વસ્તુઓ હતી એ સળગી ગઈ હતી. આ આગમાં બધું ખતમ થઈ ગયું છે.’