મુંબઈના વેપારીઓ સાથે ભારત ડાયમન્ડ બુર્સમાં ૧૮ એપ્રિલે મીટિંગ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભાતની વાડીમાં ફૅન્સી હીરાના વેપારીઓ સાથે SDBના પદાધિકારીઓએ શુક્રવારે બેઠક કરી હતી.
ડાયમન્ડ પૉલિશ કરવા માટેના હબ સુરતમાં વિશ્વના સૌથી મોટા સુરત ડાયમન્ડ બુર્સ (SDB)નું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાને ચાર મહિના થવા આવ્યા હોવા છતાં અહીં કામકાજ શરૂ નથી થઈ શક્યાં. SDBમાં ૪૩૦૦ ઑફિસ છે, જેમાંથી ૬૦ ટકા એટલે કે ૨૫૮૦ જેટલી ઑફિસ મુંબઈમાં ડાયમન્ડનું કામકાજ કરતા વેપારીઓએ ખરીદી છે. આ વેપારીઓ સુરતમાં એકસાથે કામકાજ શરૂ કરે તો દિવાળી પહેલાં SDB ધમધમતું થાય એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. SDBની કારોબારી કમિટીએ સુરતના વેપારીઓ અને દલાલોની સાથે બેઠકો શરૂ કરી છે.
સાથે-સાથે તેમણે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સ (BDB)માં મુંબઈના વેપારીઓ સાથે ૧૮ એપ્રિલે બેઠકનું આયોજન કર્યું છે, જેમાં તેમને સુરતમાં કામ કરવામાં શું મુશ્કેલી થઈ રહી છે અને તેઓ સુરતમાં ક્યારે કામકાજ શરૂ કરી શકશે એની ચર્ચા કરવામાં આવશે. ધર્મનંદન ડાયમન્ડ્સ અને શ્રી રામકૃષ્ણ ડાયમન્ડ નામની મોટી કંપનીઓએ ૧ અને ૭ જુલાઈએ સુરતમાં કામકાજ શરૂ કરવાની જાહેરાત કરી છે.
સુરતમાં એક જ સ્થળે હીરાનું મોટા પ્રમાણમાં કામકાજ કરવા માટેનો SDBનો પ્રોજેક્ટ સફળ થવામાં લાંબો સમય લાગશે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે SDBની નવી કારોબારી કમિટીએ કોઈ પણ ભોગે SDBમાં વહેલી તકે ડાયમન્ડનો વેપાર શરૂ થાય એના ફરી પ્રયાસ શરૂ કર્યા છે. આ વિશે ધર્મનંદન ડાયમન્ડ્સના ચૅરમૅન અને SDBના મીડિયા કન્વીનર લાલજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સુરતના વરાછામાં ભાતની વાડી ખાતે ફૅન્સી હીરાના વેપારીઓ સાથે SDBમાં કામકાજ શરૂ કરવા માટેની બેઠક કરવામાં આવી હતી. ૨૫૦ વેપારીઓએ તૈયારી દાખવી છે. આવી જ રીતે સુરતમાં મહિધરપુરા અને મિની બજારમાં કામકાજ કરતા હીરાના વેપારી અને દલાલોને SDBમાં એકત્રિત રીતે કામ કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. જૂન કે જુલાઈ મહિનામાં આ બધા SDBમાં કામ શરૂ કરી દેશે. SDBમાં બનાવવામાં આવેલી ૪૩૦૦ ઑફિસમાંથી ૬૦ ટકા મુંબઈના વેપારીઓની છે. તેઓ સુરતમાં કામકાજ ક્યારે શરૂ કરી શકશે એ જાણવા માટે ૧૮ એપ્રિલે BDBમાં આવેલા હૉલમાં બપોરના એક બેઠક રાખવામાં આવી છે. SDBની કારોબારી કમિટીના પદાધિકારીઓ અહીંના વેપારીઓની વાત સાંભળ્યા બાદ તેમને થતી મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરશે. બધા તૈયારી દાખવશે તો એક ચોક્કસ તારીખે એકસાથે ૫૦૦થી ૭૦૦ જેટલી ઑફિસ SDBમાં શરૂ કરવામાં આવશે. આશા છે કે દિવાળી પહેલાં SDB ધમધમતું થઈ જશે.’
SDBની કમિટી દ્વારા મુંબઈના હીરાના વેપારીઓ અને દલાલોને ૧૮ એપ્રિલે બેઠકમાં સામેલ થવા માટે વિડિયોના માધ્યમથી આમંત્રણ આપવામાં આવ્યું છે. કાચા હીરાની ખરીદી મોટે ભાગે સુરતથી જ થાય છે અને એ પૉલિશ પણ ત્યાં જ થાય છે, પણ તૈયાર હીરા વેચવા માટેની મુશ્કેલી થઈ રહી હોવાને કારણે SDBમાં વેપારીઓ જવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું હતું.

