ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગે પાડેલા દરોડાના વિરોધમાં ચર્ચાવિચારણા કરીને રણનીતિ નક્કી કરવા આવતી કાલે વેપારીઓની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : મુંબઈ અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે મહિનામાં પચાસથી વધુ જગ્યા પર ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ ત્રાટક્યો છે. આ દરોડામાં આ વિભાગે નવી મુંબઈના સાવલા સ્ટોરેજ સહિત ખાદ્ય તેલ અને ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ તેમ જ વેપારીઓનાં ગોડાઉનો પર દરોડો પાડીને લગભગ ૭૫ કરોડ રૂપિયાનો માલ જપ્ત કરતાં ખાદ્ય તેલ અને ખાદ્ય પદાર્થોના વેપારીઓમાં ફફડાટ સાથે આક્રોશ ફેલાયો છે. એના વિરોધમાં ચર્ચા-વિચારણા કરીને આગળની લડતની રણનીતિ નક્કી કરવા માટે આવતી કાલે ચેમ્બુરના નાલંદા હૉલમાં અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના નેજા હેઠળ વેપારીઓની એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે માહિતી આપતાં અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ઉચ્ચ અધિકારીઓની બદલીઓ પછી મુંબઈ, નવી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ૫૦થી વધુ જગ્યાઓ પર ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એમાં સૌથી મોટી રેઇડ નવી મુંબઈના સાવલા સ્ટોરેજમાં પાડવામાં આવી હતી. ત્યાંથી આ ડિપાર્ટમેન્ટ દ્વારા ૩૦ કરોડ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાદ્ય તેલના ૩૦ જેટલા વેપારીઓ સાથે જોડાયેલા લોકોને ત્યાં રેઇડ પાડવામાં આવી છે. આની સાથે ૨૦થી વધુ ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને ત્યાં બે મહિનામાં રેઇડ પાડવામાં આવી છે. આ બધી રેઇડમાં અધિકારીઓ મનસ્વી રીતે વેપારીઓનાં ગોડાઉનો અને દુકાનો પર ગુણવત્તા સારી નથી અને માલ જૂનો કે એક્સ્પાયરી ડેટનો છે એવાં કારણો દર્શાવી દરોડા પાડ્યા છે. આમ કહીને જે-તે વેપારીઓનો સંપૂર્ણ માલ જપ્ત કરી દે છે. આ બાબતમાં અમે દેશના સ્વાસ્થ્યપ્રધાન મનસુખ માંડવિયા, સ્વાસ્થ્ય રાજ્યપ્રધાન ભારતી પવાર, એફએસઇઆઇના ચૅરમૅન, સીઈઓ અને મહારાષ્ટ્રના એફડીઆઇના કમિશનરને મળીને તેમના અધિકારીઓની મનમાની કાર્યવાહી રોકવા વિનંતી કરી હતી, પરંતુ સરકાર આંખ આડા કાન કરી રહી છે અને આજે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમારે નાછૂટકે દરોડાની ચાલી રહેલી કાર્યવાહીના વિરોધમાં આવતી કાલે વેપારીઓની મહાસભાનું આયોજન કરવું પડ્યું છે.’
આ વખતે આ લડાઈ આરપારની હશે એમ જણાવતાં સંગઠનના મહામંત્રી તરુણ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અધિકારીઓના હાથમાં માલ જપ્તીનું શસ્ત્ર આપીને સરકારે તેમને દાદાગીરી કરવાનું લાઇસન્સ આપી દીધું છે. જે તેલના વેપારીઓનાં ગોદામોમાં પામતેલ સિવાય કોઈ અન્ય તેલ નથી તેમને ત્યાં પણ દરોડા પાડીને માલ જપ્ત કરવામાં આવી રહ્યો છે. પામતેલ સૌથી સસ્તું તેલ છે અને એની બધી ટેસ્ટ ઇમ્પોર્ટ કરતી વખતે કરીને પછી જ માલ ભારતમાં ઊતરે છે. આમ છતાં એફડીઆઇના અધિકારીઓ ઉલ્લુ સીધા કરવાના ઇરાદાથી આ કાર્યવાહી કરી રહ્યા છે. ભારતમાં વેચાઈ રહેલા તેલમાંથી ૬૦ ટકાથી વધુ ખાદ્ય તેલો ખુલ્લા પૅકિંગમાં વેચાય છે. આમ છતાં મહારાષ્ટ્રમાં એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે દેશભરમાં બીજાં રાજ્યોમાં એના પર કોઈ નિયંત્રણો મૂકવામાં આવ્યાં નથી. આથી મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓમાં ફફડાટની સાથે આક્રોશ ફેલાયો છે. આથી નાછૂટકે અમારે આવતી કાલે સરકારની અને ઉચ્ચ અધિકારીઓની આ નીતિનો વિરોધ કરવા એક મહાસભાનું ચેમ્બુરમાં આયોજન કર્યું છે...
સંગઠનના મહામંત્રી દીપક છેડાએ ખાદ્ય તેલના બધા જ વેપારીઓને આ મહાસભામાં હાજર રહેવાની અપીલ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અમારા અસ્તિત્વની લડાઈ છે જેમાં મસાલાબજાર, ડ્રાયફ્રૂટ્સ બજાર, મીઠાઈ અને દૂધ-ઉત્પાદકો સાથે સંકળાયેલા બધા વેપારીઓ અને સંગઠન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ મહાસભામાં એફડીએની કાર્યવાહીની સમીક્ષા સાથે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.’