Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકાર સામેના આંદોલનની રણનીતિ ઘડવા આ રવિવારે ભેગા થઈ રહ્યા છે વેપારીઓ

સરકાર સામેના આંદોલનની રણનીતિ ઘડવા આ રવિવારે ભેગા થઈ રહ્યા છે વેપારીઓ

Published : 02 August, 2024 06:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેસ અને GST સહિતની સમસ્યાઓની ‍રજૂઆત કરવા છતાં કોઈ પણ ઉકેલ આવતો ન હો‍‍વાથી એની ચર્ચા કરવા પુણેમાં મહારાષ્ટ્રનાં વિવિધ વેપારી અસોસિએશનોના પદાધિકારીઓનું સંમેલન

વેપારી અસોસિએશનોના અગ્રણીઓ જિતેન્દ્ર શાહ (ડાબે) અને લલિત ગાંધી.

વેપારી અસોસિએશનોના અગ્રણીઓ જિતેન્દ્ર શાહ (ડાબે) અને લલિત ગાંધી.


નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં લેવામાં આવતા સેસ, અન્ય વેપારી પ્રોડક્ટ્સ પર લેવામાં આવતા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અને લીગલ મેટ્રોલૉજી ઍક્ટને લગતી સમસ્યાઓ સંદર્ભે પુણેમાં આ રવિવારે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM-ફામ), મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચર (મુંબઈ), ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ટ્રેડ (મુંબઈ), ધ ગ્રે‌ન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (મુંબઈ) અને ધ પુણે મર્ચન્ટ્સ ચેમ્બર્સ (પુણે)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલા આ સંમેલનમાં મહારાષ્ટ્રનાં વિવિધ વેપારી અસોસિએશનોના પદાધિકારીઓ હાજર રહેવાના છે.


આ સંદર્ભે માહિતી આપતાં ફામના અધ્યક્ષ જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી મુંબઈની APMC સહિત રાજ્યની અન્ય APMCમાં જે સેસ લેવાય છે એ મુદ્દે વેપારીઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં એનો ઉકેલ લાવવામાં આવતો નથી એટલે આ મુદ્દે વેપારીઓમાં નારાજગી છે. એ સિવાય લીગલ મેટ્રોલૉજી ઍક્ટ (તોલમાપ કાયદો) બાબતે પણ કેટલીક સમસ્યાઓ છે. GST બાબતે તો વેપારીઓમાં અસંતોષ છે જ. એટલે આ સમસ્યાઓનો ઉકેલ લાવવા હવે સરકાર સામે કઈ રીતે રજૂઆત કરવી કે પછી કઈ રીતનું આંદોલન કરવું એની રણનીતિ આ સંમેલનમાં ઘડી કાઢવામાં આવશે. અનેક વેપારી અસોસિએશનોના પદાધિકારીઓ આ સંમેલનમાં હાજરી આપવાના છે.’



APMC માર્કેટમાં ટ્રેડ વૅલ્યુનો એક ટકો સેસ લેવાય છે. મહારાષ્ટ્રની સૌથી મોટી નવી મુંબઈના વાશીની APMC દર વર્ષે અંદાજે ૬૦ કરોડ રૂપિયાનો સેસ કલેક્ટ કરે છે. આ સંદર્ભે વિગતવાર માહિતી આપતાં મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરના પ્રેસિડન્ટ લલિત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘APMCમાં જે એક ટકો સેસ લેવાય છે એ જે ફર્સ્ટ સેલ કરે એટલે કે ખેડૂત જે ખેતરમાંથી માલ લાવી વેપારીને આપે એના પર જ લેવાનો હતો, જ્યારે એ APMCમાં ટ્રેડરો પાસેથી લેવાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી જે માલ (અનાજ) આવે છે એ ટ્રેડરો મોકલે છે, દાલ મિલ મોકલે છે. તેમણે પોતાના સ્ટેટમાં તો એ માટે સેસ ભર્યો જ હોય છે. અહીં ફરી એના પર સેસ લેવાય છે. આમ ડબલ ટૅક્સેશન થાય છે અને છેવટે એનો ભાર ખરીદદાર પર પડે છે. બીજું, APMC‌‌ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, લાઇટ વગેરેની સુવિધા આપતા હોય છે એટલે એ મેઇન્ટેઇન કરવા એ સેસ લેવાય છે; પણ APMCની બહાર વેપાર કરતા વેપારીઓ પાસેથી પણ એ સેસ વસૂલ કરવામાં આવે છે જે ખોટું છે. બીજું, પચીસ કિલોથી વધુના પૅકેજિંગ પરની ખેતપેદાશો પર પાંચ ટકા GST લાદવાના સરકારના પ્રસ્તાવનો ​વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એથી હવે એને બૅકડોર એન્ટ્રી આપવાના પ્રયાસ ચાલી રહ્યા છે. લીગલ મેટ્રોલૉજી ઍક્ટ (તોલમાપ કાયદો) હેઠળ પચીસ કિલોની એ લિમિટ જ કાઢી નાખવાનો સરકારનો ઇરાદો છે જેથી એ પછી દરેક પૅકેજ (પૅકેટ-ગૂણી-બાચકા) પછી એ કોઈ પણ વજનનું હોય એના પર GST અપ્લાય થઈ જશે. એથી અમે આ અને અન્ય સમસ્યાઓનો ઉકેલ લાવવા અથવા સરકાર સામે કઈ રીતે રજૂઆત કરવી એની રણનીતિ ઘડી કાઢવા આ સંમેલનનું આોયજન કર્યું છે. રાજ્યનાં વિવિધ વેપારી અસોસિએશનોના અંદાજે ૫૦૦થી ૫૫૦ પદાધિકારીઓ હાજર રહે એવી શક્યતા છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2024 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK