આગમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પણ બાજુમાં આવેલી સ્કૂલને બહુ મોટું નુકસાન થયું હોવાની શક્યતા
ઘાટકોપર-વેસ્ટના નારાયણનગરમાં સમ્રાટ હાઈ સ્કૂલની બાજુમાં આવેલી પ્લાસ્ટિક રૅપરની ફૅક્ટરીમાં આગ લાગી હતી. (તસવીર : અતુલ કાંબળે)
ઘાટકોપર-વેસ્ટના નારાયણનગરમાં બુધવારે સાંજના અંદાજે ૫.૪૦ વાગ્યાની આસપાસ એક પ્લાસ્ટિક રૅપર મૅન્યુફૅક્ચરિંગ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ સમ્રાટ હાઈ સ્કૂલ પાસે આવેલી ફૅક્ટરીમાં લાગી હતી જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સરજાયો હતો. જોકે મોડી રાત સુધી કોઈ જાનહાનિના સમાચાર નહોતા. આ આગને લીધે સ્કૂલને મોટું નુકસાન થયું હોવાનું સ્થાનિક રહેવાસીઓનું માનવું છે.
આ બાબતની માહિતી આપતાં સ્થાનિક રહેવાસી સલીમ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં સાંકડો રોડ હોવાથી ફાયરબ્રિગેડને ઘટનાસ્થળે પહોંચતાં વાર લાગી હતી. આ સમય દરમ્યાન પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. અમારાં બાળકો આગ લાગી એ સમયે સ્કૂલમાં હોય છે. જોકે ગઈ કાલે સ્કૂલ બંધ હતી. જો સ્કૂલ ચાલુ હોત તો આ ભીષણ આગથી કેટલી મોટી જાનહાનિ થઈ હોત એ વિચારથી શરીરમાં કંપારી છૂટી જાય છે. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની દસ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આમ છતાં, પ્લાસ્ટિકની ફૅક્ટરી અને ગોડાઉન હોવાથી ફાયરબ્રિગેડને આગ બુઝાવતાં લાંબો સમય લાગી ગયો હતો. આગને કારણે સ્કૂલને કેટલું નુકસાન પહોંચ્યું છે એ તો સ્કૂલ-મૅનેજમેન્ટને આજે તેઓ સ્કૂલમાં આવશે ત્યારે જ ખબર પડશે.’