આ કેસમાં હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
પ્રતીકાત્મક તસવીર
કાલબાદેવીમાં ઉન્નતિ જ્વેલર્સના માલિક આશિષ જૈને વિશ્વાસ મૂકીને સેલ્સમૅન તરીકે રાખેલા હસમુખ શાહે આશરે ૧.૧૪ કરોડ રૂપિયાના દાગીના વેચવાના બહાને લઈ જઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. હસમુખની નોકરી છૂટી જવાથી તેના પર દયા ખાઈને આશિષ જૈને તેને એપ્રિલ મહિનામાં નોકરી પર રાખ્યો હતો. દરમ્યાન, જુલાઈ મહિનાના અંતમાં હસમુખ નાગપુર, ગોંદિયા અને બાલાઘાટના જ્વેલરીના વેપારીઓને માલની ખપત હોવાનું કહી ૧.૧૪ કરોડ રૂપિયાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
કાલબાદેવી રોડ પર શાંતિભવન બિલ્ડિંગમાં જ્વેલરીનો વ્યવસાય કરતા ૪૪ વર્ષના આશિષ જૈનને હસમુખ પર ખૂબ જ વિશ્વાસ હતો. આશરે ૧.૧૪ કરોડ રૂપિયાના દાગીના લીધા બાદ હસમુખે પોતાનો ફોન બંધ કરી દીધો ત્યારે પણ માલિકને એમ જ હતું કે તેની સાથે કંઈ ખોટું તો નથી થયુંને. એટલે તેઓ હસમુખની તલાશમાં નાગપુરની દિગંબર જૈન ધર્મશાળામાં પહોંચ્યા હતા એમ જણાવતાં એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્ચ મહિનામાં હસમુખની નોકરી છૂટી જવાથી આશિષ જૈને તેના પર દયા ખાઈને એપ્રિલ મહિનામાં નોકરી પર રાખ્યો હતો. આરોપી હસમુખ નાગપુર, ગોંદિયા, બાલાઘાટ વિસ્તારમાં નાના જ્વેલરોને દાગીનાનો માલ સપ્લાય કરવાનું કામ કરતો હતો. દરમ્યાન, હસમુખે વધારે માલની ખપત હોવાનું કહીને જુલાઈ મહિનાના અંતમાં ૧.૧૪ કરોડ રૂપિયાના દાગીના લીધા હતા. બેથી ત્રણ દિવસ બાદ આશિષે તેનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તેનો ફોન સતત બંધ આવી રહ્યો હતો એટલે આશિષે નાગપુરના વેપારીઓને ફોન કરીને વધુ માહિતી લેવાની કોશિશ કરી હતી. જોકે તેમણે કહ્યું કે હસમુખ તેમની પાસે આવ્યો જ નથી. અંતે હસમુખ દર વખતે નાગપુરમાં જે ધર્મશાળામાં ઊતરતો હતો ત્યાં તપાસ કરવા પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તે બે દિવસ રોકાવા આવ્યો હતો અને ત્યાર બાદ ત્યાંથી નીકળી ગયો હતો. અંતે દાગીના લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ખાતરી થવાથી આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. આ કેસમાં હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’