ખોપરી અને હાડકાં અલગ-અલગ મળી આવતાં ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં
નાયગાંવમાં આ જગ્યાએથી માનવ હાડપિંજર મળી આવ્યું હતું.
નાયગાંવના રેતીબંદર પાસે માનવ-હાડકાંનું હાડપિંજર મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. અહીં હાડપિંજરની ખોપરી અને હાડકાં અલગ-અલગ જગ્યાએ મળી આવ્યાં હતાં. પોલીસને હાડકાં મળી આવ્યાં હોવાથી ફૉરેન્સિક તપાસ માટે મોકલી આપ્યાં છે. હાડકાં અલગ-અલગ હોવાથી એ પુરુષનાં છે કે સ્ત્રીનાં એ સ્પષ્ટ થયું નથી.
નાયગાંવ-ઈસ્ટમાં રેતીબંદર છે અને ત્યાં મૅન્ગ્રોવ્ઝનાં ઝાડ છે. રવિવારે એ ભાગમાં એક વ્યક્તિ ટૉઇલેટ કરવા ગઈ ત્યારે ઝાડીમાં માનવખોપરી જોવા મળી આવી હતી. એનાથી થોડે દૂર હાડપિંજર જોવા મળ્યું હતું. એથી એ વ્યક્તિએ તાત્કાલિક નાયગાંવ પોલીસને આની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી હાડપિંજરના અવશેષો એકઠા કરીને ફૉરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. નાયગાંવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ ભામેએ માહિતી આપી હતી કે ‘પોલીસે હાડપિંજરને તપાસ માટે મોકલ્યું હોવાથી એના રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે કે આ હત્યા છે કે અકસ્માતને કારણે મૃત્યુ થયું છે. હાલમાં પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.’