મિત્રો સાથે મહાબળેશ્વર ફરવા ગયેલા નીરજ અરુણ મહેતાને બસે કચડ્યા : ફ્રેન્ડની કાર પાર્ક કરવામાં મદદ કરતી વખતે ઘાટકોપરના ૪૬ વર્ષના રહેવાસીને બેફામ જઈ રહેલી બસે ટક્કર મારતાં થયું મૃત્યુ
નીરજ મહેતા અને મહાબળેશ્વર-પંચગનીના આ રસ્તામાં અકસ્માત થયો હતો.
૨૬ જાન્યુઆરીની રજામાં મિત્રો સાથે મહાબળેશ્વર-પંચગની ફરવા જનારા ઘાટકોપરના ૪૬ વર્ષના ગુજરાતીને બસે કચડતાં તેણે જીવ ગુમાવ્યો હોવાની કરુણ ઘટના બની હતી. મૅપ્રો ગાર્ડન પાસે ફ્રેન્ડની કારને પાર્કિંગ શોધવામાં મદદ કરવા તે કારમાંથી ઊતરીને રસ્તામાં ગયા હતા ત્યારે પૂરપાટ આવી રહેલી આરામ બસે તેમને પાછળથી અડફેટે લઈને કચડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પંચગની પોલીસે બસના ડ્રાઇવર સામે અકસ્માત કરીને મૃત્યુ નિપજાવવાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ઘાટકોપરમાં રહેતા નીરજ અરુણ મહેતાનું ૨૬ જાન્યુઆરીએ સાંજે મહાબળેશ્વરમાં આવેલા મૅપ્રો ગાર્ડનના રસ્તામાં બસે ટક્કર માર્યા બાદ કચડી નાખવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. નીરજ મહેતા તેમના પરિવાર અને ત્રણ મિત્રો સાથે મુંબઈથી મહાબળેશ્વર ૨૫ જાન્યુઆરીએ ફરવા માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
નીરજ મહેતાના ફ્રેન્ડ પરાગ શાહે પંચગની પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ૨૫ જાન્યુઆરીએ નીરવ કિશોર જગડ, ચેતન સરવૈયા, ડૉ. હેમંત પટેલ અને નીરજ અરુણ મહેતા સાથે કારમાં પરિવારજનો સાથે મહાબળેશ્વર પંચગની ફરવા માટે પહોંચ્યા હતા. એક ફ્રેન્ડના બંગલામાં તેઓ રોકાયા હતા.
૨૬ જાન્યુઆરીએ તેઓ જ્યાં રોકાયા હતા ત્યાંથી મૅપ્રો ગાર્ડનની પાછળ આવેલા સ્ટ્રૉબેરીના ખેતરમાં સ્ટ્રૉબેરી ખરીદવા માટે સાંજના ૬ વાગ્યે કારમાં નીકળ્યા હતા. એક કારમાં પરાગ શાહ, ચેતન સરવૈયા અને નીરજ મહેતા હતા. તેઓ મૅપ્રો ગાર્ડનના પાર્કિંગમાં કાર પાર્ક કરીને ગાર્ડનમાં જવાના હતા. તેમની પાછળ ફ્રેન્ડ નીરવ જગડની કાર હતી. તેને પાર્કિંગનો રસ્તો બતાવવા માટે નીરવ મહેતા કારમાંથી ઊતરીને રસ્તામાં ઊભા હતા ત્યારે મૅપ્રો ગાર્ડનના એક નંબરના ગેટમાંથી એક બસ પંચગની-મહાબળેશ્વરના રસ્તામાં આવવા માટે પૂરપાટ આવી પહોંચી હતી અને રસ્તાની બાજુમાં ઊભા રહેલા નીરવ મહેતાને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ બસ તાત્કાલિક ઊભી રાખવાને બદલે થોડે આગળ જઈને બ્રેક મારી હતી. આ ઘટનામાં નીરજ મહેતાને ગંભીર ઈજા થતાં તેમને કારમાં બેસાડીને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.
ફરિયાદીએ અકસ્માત કરનારીને બસનો નંબર નોંધી લીધો હતો એટલે તેના ડ્રાઇવર સામે પંચગની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. નીરજ મહેતાના ફ્રેન્ડ અને ફરિયાદી પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના ખૂબ જ શૉકિંગ છે, જેના આઘાતમાંથી અમે બહાર નીકળી નથી શકતા એટલે અત્યારે કંઈ કહેવાની સ્થિતિમાં નથી.’
ફરવા આવ્યા અને જીવ ગુમાવ્યો
નીરજ મહેતાના અકસ્માતની તપાસ કરી રહેલા પંચગની પોલીસ સ્ટેશનના હવાલદાર નીલેશ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીરજ મહેતા તેમના પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે મુંબઈના ઘાટકોપર (ઈસ્ટ)થી મહાબળેશ્વર ફરવા આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અમે આરામ બસના કર્ણાટકમાં રહેતા ડ્રાઇવર દિગંબર કૃષ્ણા નાઈક સામે અકસ્માત કરીને મૃત્યુ નિપજાવવાનો મામલો નોંધીને તપાસ હાથ ધરી છે.’