ચાર લોકોએ મારઝૂડ કરી, છરી દેખાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને પૈસા પડાવી લીધા
પ્રતીકાત્મક તસવીર
ગ્રાન્ટ રોડમાં દવાબજાર નજીક પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતા ૭૨ વર્ષના રાજેશ કચેરિયાને મંગળવારે સાંજે કાલબાદેવીની સિદ્ધિ ટેક્સટાઇલ નજીક ચાર લોકોએ વગર વાંકે મારઝૂડ કરીને ચાકુ દેખાડી આશરે ૧૧,૦૦૦ રૂપિયા લૂંટી લીધા હોવાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. રાજેશભાઈની પાસે રહેલી બૅગમાં વધારે પૈસા હોઈ શકે છે એવી ધારણા સાથે આરોપીઓએ તેમનો પીછો કરી તેમની મારઝૂડ કરી પૈસા લૂંટી લીધા હશે એવો પ્રાથમિક અંદાજ હોવાની માહિતી પોલીસે આપી હતી. પોલીસ નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.
આરોપીઓ રાજેશભાઈનું પર્સ છીનવીને છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી પલાયન થઈ ગયા હતા એમ જણાવતાં એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે આશરે ચાર વાગ્યે રાજેશભાઈ ગ્રાન્ટ રોડથી કાલબાદેવી બસમાં આવી સિદ્ધિ ટેક્સટાઇલના બસ-સ્ટૉપ પર ઊતરી આગળ ચાલી રહ્યા હતા ત્યારે પાછળથી એક યુવાને તેમના ખિસ્સામાં હાથ નાખી પાકીટ કાઢી લીધું હતું, જેમાં આશરે ૧૧,૦૦૦ રૂપિયાની રોકડ હતી. એનો વિરોધ કરવા જતાં તે માણસ ઉપરાંત બીજા ત્રણ લોકોએ પહેલાં રાજેશભાઈની મારઝૂડ કરી હતી. ત્યાર બાદ તેમાંના એક યુવાને ખિસ્સાથી ચાકુ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી રાજેશભાઈને ત્યાંથી ભાગી જવા કહ્યું હતું. આ ઘટનાથી રાજેશભાઈ ખૂબ જ ગભરાઈ જતાં તેઓ ઘરે નીકળી ગયા હતા. ગઈ કાલે તેમની હાલત સ્થિર થતાં તેઓ ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન આવ્યા હતા. આ ઘટનામાં અમે આરોપીની શોધ હાથ ધરી છે.’