થાણેની ખાડીમાં તરવા પડેલા ચેતન પ્રજાપતિએ મિત્રોએ આપેલી સલાહને અવગણી અને ભરતીમાં તણાઈ ગયો
ચેતન પ્રજાપતિ
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)નો ૩૨ વર્ષનો કર્મચારી ચેતન પ્રજાપતિ ગઈ કાલે તેની રજા હોવાથી એન્જૉય કરવા થાણેની ખાડીમાં ન્હાવા ગયો હતો. જોકે એ પછી ભરતી શરૂ થવાથી મિત્રોએ આપેલી સલાહને અવગણતાં તે ભરતીમાં તણાઈ ગયો હતો. તેની શોધ ચલાવવા આખો દિવસ વિવિધ એજન્સીઓએ પ્રયાસ કર્યા હતા, પણ તે નહોતો મળી આવ્યો.
TMCના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આ ઘટના વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના ચેંદણી કોળીવાડામાં રહેતો TMCનો કર્મચારી ચેતન તેના મિત્રો સાથે થાણે-ઈસ્ટના કોપરી તરફ ગણેશઘાટ પાસે ખાડીમાં તરવા પડ્યો હતો. સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ એમાં ભરતી આવવાથી મોજાં મોટાં થવા માંડતાં તેના મિત્રો બહાર નીકળી ગયા હતા અને તેને પણ બહાર આવવા કહ્યું હતું; પણ તેણે કહ્યું કે ના, મારી રજા છે એટલે હું ફુલ એન્જૉય કરીશ. જોકે ત્યાર બાદ ભરતી શરૂ થવાથી તે ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો. તેના મિત્રોએ ત્યાર બાદ પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. અમારી ડિઝૅસ્ટરની ટીમ, પોલીસ, ફાયર-બ્રિગેડ અને થાણે ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમ બધાએ સ્થાનિક માછીમારોની મદદથી હોડકામાં જઈને ચેતનની બહુ જ શોધ ચલાવી હતી; પણ ગઈ કાલ સાંજ સુધી તે મળી આવ્યો નહોતો. આખરે સાંજે અંધારું થવા માંડતાં રેસ્ક્યુ-ઑપરેશન પડતું મૂકવામાં આવ્યું હતું.’