બોરીવલીના ગુજરાતી કપલે બેડ પર સૂવા માટે વારો રાખ્યો હતો, પણ પતિએ પોતાનો વારો ન હોવા છતાં પલંગ પર સૂઈ જવાની જીદ કરતાં બન્ને વચ્ચે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો
પ્રતીકાત્મક તસવીર
ઘરમાંથી પહોંચ્યો જેલમાંઃ બોરીવલીના ગુજરાતી કપલે બેડ પર સૂવા માટે વારો રાખ્યો હતો, પણ પતિએ પોતાનો વારો ન હોવા છતાં પલંગ પર સૂઈ જવાની જીદ કરતાં બન્ને વચ્ચે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો, જેમાં પત્નીને ઈજા થતાં તેણે કરેલી ફરિયાદના આધારે પોલીસે કરી હસબન્ડની ધરપકડ
મુંબઈ : બોરીવલીમાં રહેતાં પતિ-પત્ની વચ્ચે પલંગ પર સૂવાની વાત પર ઝઘડો થયો હતો, જે મારપીટમાં ફેરવાઈ જતાં પતિએ પત્નીના કાન પર માર માર્યો હતો. એમાં પત્નીને ગંભીર ઈજા થઈ હોવાથી પત્નીએ પતિ વિરુદ્ધ બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની માહિતી લીધા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
બોરીવલી-વેસ્ટની એક સોસાયટીમાં રહેતી ૩૯ વર્ષની અંજલિ હસમુખ મોદી (નામ બદલ્યું છે)એ કરેલી ફરિયાદ અનુસાર એપ્રિલ ૨૦૨૨થી પતિ હસમુખ સાથે તેના ઝઘડા થતા હોવાથી પ્રતીકે ડિવૉર્સ માગ્યા હતા જે આપવાનો અંજલિએ ઇનકાર કર્યો હતો. બન્ને વચ્ચે જામતું ન હોવાથી તેમણે બેડ પર સૂવાના વારા રાખ્યા હતા. શુક્રવારે રાતે એક વાગ્યે અંજલિ બેડ પર સૂતી હતી ત્યારે હસમુખ તેની પાસે આવ્યો હતો અને બેડ પર તેને સૂવું હોવાનું અંજલિને કહ્યું હતું. જોકે અંજલિએ કહ્યું કે આજે મારો બેડ પર સૂવાનો વારો છે. આ સાંભળતાં હસમુખે માર મારવાની શરૂઆત કરી હતી જેમાં મોઢા પર જોરદાર હાથ મારતાં અંજલિને કાન પર ગંભીર ઈજા પહોંચી હતી. તરત અંજલિએ તેની મિત્રને ફોન કરી મદદ માગી હતી. એ પછી બીજા દિવસે અંજલિ જાંબલી ગલીમાં આવેલી ક્લિનિકમાં ઇલાજ માટે જતાં કાનમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અંજલિને સંભળાવાનું પણ ઓછું થયું હતું. ત્યાર બાદ આ ઘટનાની ફરિયાદ બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પોલીસે આઇપીસી ૩૨૫ (સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી) અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
બોરીવલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ ઝઘડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ અમે નોંધી છે. પતિ-પત્ની વચ્ચે બેડ પર સૂવાની વાત પરથી થયેલો વિવાદ મોટા પ્રમાણમાં વધ્યો હતો, જેમાં બન્ને વચ્ચે મારઝૂડ થતાં મહિલાને કાનમાં ઈજા પહોંચી હતી.’
આ ઘટનાની માહિતી લેવા ‘મિડ-ડે’એ અંજલિ મોદીનો સંપર્ક કરતાં તેમણે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.