મુલુંડના ૩૫ રહેવાસીઓના એક જૂથે આ માટે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સ્વદેશી વૃક્ષો રોપવાની શરૂઆત કરી છે અને અત્યાર સુધીમાં ૧૦૯ વૃક્ષો વાવ્યાં છે
મુલુંડના નાગરિકોના એક ગ્રુપે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૧૦૯ વૃક્ષો વાવ્યાં. રાજેશ ગુપ્તા
મુંબઈ : મુલુંડના ૩૫ રહેવાસીઓના એક જૂથે શહેરમાં લીલોતરી વધારવા પોતાના તરફથી થોડો સહયોગ આપવાનો નિર્ણય લીધો છે. એને અનુલક્ષીને તેમણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સ્વદેશી વૃક્ષો રોપવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં તેમણે ૧૦૯ વૃક્ષો વાવ્યાં છે.
આ પહેલની શરૂઆત લગભગ નવ મહિના પહેલાં જ મુલુંડ રહેવા ગયેલા બૉમ્બે હાઈ કોર્ટ અને ફૅમિલી કોર્ટ સાથે જોડાયેલા ઍડ્વોકેટ જિતેન્દ્ર રાઠોડે કરી હતી. પ્રકૃતિપ્રેમી હોવાથી તેમણે આસપાસના વાતાવરણનો અભ્યાસ કર્યો હતો. ઈસ્ટર્ન એક્સપ્રેસ પર મૉર્નિંગ વૉક લેવા નીકળ્યા ત્યારે તેમણે વૃક્ષોની અવદશા જોઈ હતી. એમાંનાં કેટલાંક વૃક્ષો મરી ગયાં હતાં તો કેટલાંકની આસપાસ કચરાનો ઢગ ખડકાયો હતો. તેમણે જાતે જ વૃક્ષોને પાણી પાવાનું અને એમની માવજત કરવાનું તથા આસપાસના પરિસરની સફાઈનું કામ શરૂ કર્યું. આમાં તેમને પહેલો સાથ મળ્યો અરુંધતી શિંદેનો. બંનેએ કેટલાક છોડ રોપ્યા, પણ એ થોડા સમયમાં મરી જતાં તેમણે મોટાં થયેલાં વૃક્ષોની વાવણી કરવાનો નિર્ણય કર્યો, જે સ્પીડથી જતાં વાહનોને કારણે ફૂંકાતા પવન સામે ટકી શકે. તેમની સમર્પિતતાએ અન્ય લોકોને પણ આકર્ષિત કર્યા. અત્યાર સુધીમાં તેમના ગ્રુપમાં ૩૫ સભ્યો જોડાયા છે. હવે તેમણે પોતાના ગ્રુપને ગ્રીન સેજ નામના એનજીઓ તરીકે નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.