પોતાને CBI ઑફિસર કહેવડાવતા સાઇબર ગઠિયાની વાતોમાં આવી જઈને યુવતી બરાબરની ફસાઈ ગઈ
પ્રતીકાત્મક તસવીર
સાઇબર ફ્રૉડ કરનારાઓ વધુ ને વધુ લોકોની ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે. આવો જ એક વધુ કેસ અંધેરી પોલીસ-સ્ટેશનમાં નોંધાયો છે. એમાં ગઠિયાએ પોતે CBIનો ઑફિસર હોવાનું યુવતીને કહ્યું હતું. એ પછી તેની ડિજિટલ અરેસ્ટ થઈ છે એમ કહી એની તપાસ ગુપ્ત રીતે કરવાની હોવાનું કહીને હોટેલમાં રૂમ બુક કરવા કહ્યું હતું. ત્યાર બાદ તેની ઝડતી લેવાની છે એમ કહીને તેને નિર્વસ્ત્ર થવા કહ્યું હતું અને એનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો એટલું જ નહીં, તેને છેતરીને તેની પાસેથી ૧.૭૮ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. આખરે યુવતીએ આ સંદર્ભે અંધેરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
આ યુવતી અંધેરીમાં એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરે છે. તે કામ પર હતી ત્યારે અજાણ્યા નંબર પરથી તેને ફોન આવ્યો હતો. ફોન કરનારે યુવતીને કહ્યું કે તે CBI ઑફિસર છે અને એક કેસમાં તેની સંડોવણી જણાઈ આવતાં તેની સામે ગુનો નોંધાયો છે એટલે તમારી તપાસ કરવાની છે. આ સાંભળીને તે યુવતી બહુ જ ડરી ગઈ હતી. ત્યાર બાદ ગઠિયાએ તેને વિડિયોકૉલ કર્યો અને કહ્યું કે કેસ સેન્સિટિવ હોવાથી તે ખુલ્લામાં તેની પૂછપરછ નહીં કરી શકે એટલે તે કોઈને કંઈ પણ કહ્યા વગર એક હોટેલમાં એકલી જાય અને ત્યાં રૂમ બુક કરીને તેની સાથે વાત કરે. એથી યુવતીએ તેના કહેવા મુજબ એક હોટેલમાં રૂમ બુક કરાવી હતી.
ADVERTISEMENT
યુવતી હોટેલમાં પહોંચ્યા બાદ ફરી વિડિયોકૉલ આવ્યો હતો. એમાં નરેશ નામના ગઠિયાએ તેને કહ્યું કે મની લૉન્ડરિંગના કેસમાં તેની સંડોવણી જણાઈ આવી છે. એમ કહીને તેણે યુવતીની બૅન્ક-ડીટેલ તેની પાસેથી કઢાવી લીધી હતી અને અકાઉન્ટમાંથી ૧.૭૮ લાખ રૂપિયા સેરવી લીધા હતા એટલું જ નહીં, તેણે યુવતીને કહ્યું કે તમારી અંગ-ઝડતી લેવી પડશે એટલે નિર્વસ્ત્ર થઈ જાઓ. ગભરાયેલી યુવતીએ તેણે કહેલું કર્યું હતું. ગઠિયાએ એ વખતનો તેનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. પાછળથી યુવતીને જાણ થવાથી તે ડરી ગઈ હતી અને આખરે તેણે અંધેરી પોલીસમાં આ બાબતે ફરિયાદ કરી હતી. અંધેરી પોલીસે છેતરપિંડી અને IT (ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.