છ માળના બિલ્ડિંગમાં પાંચમા માળના ઘરમાં આગ લાગી ત્યારે એમાં સાસુ-વહુ હતાં : બિલ્ડિંગમાં આગ બુઝાવવાની વ્યવસ્થા નહોતી
આગની ઘટના બની તેના દૃશ્યો
ઘાટકોપર-ઈસ્ટના પંતનગર પોલીસ સ્ટેશનની પાછળ આવેલા છ માળના વિકાસ અપાર્ટમેન્ટના પાંચમા માળના ૫૦૨ નંબરના ફ્લૅટમાં ગઈ કાલે બપોરે ૧૨.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ હોબાળો મચી ગયો હતો. બારીમાંથી આગની જ્વાળાઓ લબકારા મારી રહી હોવાથી નીચે રોડ પરથી કોઈએ એનો વિડિયો ઉતારી વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવતાં બે ફાયર-એન્જિન અને એક જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ૧.૨૦ વાગ્યે આગ બુઝાવી દેવાઈ હતી. આગમાં કોઈને ઈજા થઈ નહોતી.
આગની આ ઘટના વિશે માહિતી આપતાં માનખુર્દ ફાયર-બ્રિગેડના ઑફિસર દિનેશ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ પાંચમા માળે આવેલા ફ્લૅટ નંબર ૫૦૨માં લાગી હતી. એ ફ્લૅટમાં એ વખતે સાસુ અને પુત્રવધૂ હતાં. આગ લાગ્યાની જાણ થતાં જ તેઓ બહાર નીકળી ગયાં હતાં અને પાડોશીઓને એ વિશે જાણ કરી હતી. બિલ્ડિંગમાં ફાયર-એક્સ્ટિંગ્વિશર નહોતાં. એથી પાડોશીઓએ તેમના ઘરમાંથી તો કેટલાક લોકોએ ટેરેસમાંની પાણીની ટાંકીમાંથી પાણી લઈને આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા, પણ આગ ઓલવી શકાઈ નહોતી. એથી આખરે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અમારા માનખુર્દ ફાયર-બ્રિગેડનું એક ફાયર-એન્જિન અને ચેમ્બુર ફાયર-બ્રિગેડનું એક ફાયર-એન્જિન એમ બે ફાયર-એન્જિન અને જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અમે પહોંચ્યાં એ પહેલાં જ બિલ્ડિંગના બધા જ રહેવાસીઓ નીચે ઊતરી આવ્યા હતા. આગમાં પાંચમા માળનો ૫૦૨ નંબરનો ફ્લૅટ તો આખો બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે આજુબાજુના ૫૦૧ અને ૫૦૩ નંબરના ફ્લૅટોને પણ ઝાળ લાગી હતી. તેમના દરવાજા સળગી ગયા હતા અને હૉલ સુધી આગ પહોંચી ગઈ હતી. આ ઉપરાંત પૅસેજમાંથી આગ ઉપર જતાં છઠ્ઠા માળે આવેલા ફ્લૅટના સેફ્ટી-ડોરને પણ એની ઝાળ લાગતાં એ બળી ગયા હતા. આગમાં કોઈને ઈજા થઈ નહોતી. જોકે ઘરવખરી અને અન્ય સામાન-વાયરિંગ વગેરે બધું બળીને ખાખ થઈ ગયું હતું.’

