ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ વિધાનસભાની આગામી ચૂંટણીને નજરમાં રાખીને પક્ષને ફરી પાટે ચડાવવાના પ્રયાસ કરશે
ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ.
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં માત્ર ૯ બેઠક મળતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટી પછડાટ મળી છે ત્યારે મહારાષ્ટ્રમાં BJPએ મોટા પાયે ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વિશ્વાસુ એવા કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવની મહારાષ્ટ્રના પ્રભારી અને સહપ્રભારી તરીકેની નિયુક્તિ ગઈ કાલે કરવામાં આવી હતી. ત્રણેક મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ મહારાષ્ટ્ર BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારને હટાવવાની શક્યતા પણ નકારી ન શકાય.
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવની મહારાષ્ટ્ર રાજ્યના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવની સહપ્રભારી તરીકે નિયુક્તિ કરી હતી. આ બન્ને પક્ષના સંગઠનને વ્યવસ્થિત રીતે ચલાવવામાં એકથી વધુ વખત સફળ રહ્યા છે અને તેમણે BJPની સ્થિતિ નબળી હતી ત્યાં કામ કરીને સફળતા અપાવી છે એટલે તેમને રાજકીય અને આર્થિક રીતે મહત્ત્વના મહારાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણીની વ્યવસ્થાનો અનુભવ છે. ૨૦૧૩થી તેઓ આ જવાબદારી નિભાવી રહ્યા છે. ૨૦૧૩માં તેમણે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૪માં ઝારખંડમાં સહપ્રભારી તરીકે અને ગુજરાતમાં પ્રભારી તરીકેની જવાબદારી નીભાવી હતી. આવી જ રીતે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે સારો તાલમેલ કરીને સફળતા અપાવી હતી. એ બાદ ૨૦૨૦માં ભૂપેન્દ્ર યાદવે બિહારમાં નીતીશ કુમાર સાથે ચૂંટણીમાં વિજય અપાવ્યો હતો.
આજે દેવેન્દ્ર ફડણવીસનો ફેંસલો?
આજે દિલ્હીમાં BJPની કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી છે જેમાં લોકસભાની ચૂંટણીમાં અપેક્ષા મુજબનું રિઝલ્ટ ન લાવી શકવા બદલ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું હતું એના પર નિર્ણય લેવાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે દિલ્હીમાં અમિત શાહ અને જે. પી. નડ્ડાની મુલાકાત લીધી હતી. જોકે એ સમયે તેમને કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની શપથવિધિ થયા બાદ આ બાબતે નિર્ણય લેવામાં આવશે.