આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ અન્યાયકારક કાયદા રદ કરાવવા, પારંપરિક વ્યાપારને ટકાવી રાખવા, નવી પ્રતિયોગિતામાં ટકી રહેવા માટે તેમ જ વ્યાપારવૃદ્ધિ માટેનાં ધોરણો તૈયાર કરવાનો છે
પાંચમી ઑક્ટોબરે રાજ્યવ્યાપી વેપારી સંમેલન અગાઉ સંમેલનની તૈયારી માટે ચર્ચા કરવા ચાલી રહેલી મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી સંગઠનોના અગ્રણીઓની મીટિંગ.
મુંબઈ : મહારાષ્ટ્રના વેપારીઓના વિવિધ પ્રશ્નો અને માગણીઓ અંગે ચર્ચા-વિચારણા કરવા પાંચમી ઑક્ટોબરે ગણેશ કલા ક્રીડા મંચ, સ્વારગેટ, પુણેમાં સવારે ૧૦થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન મહારાષ્ટ્રના વેપારીઓની એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ અન્યાયકારક કાયદા રદ કરવા, પારંપરિક વ્યાપારને ટકાવી રાખવા, નવી પ્રતિયોગિતામાં ટકી રહેવા તેમ જ વ્યાપારવૃદ્ધિ માટેનાં ધોરણો તૈયાર કરવાનો છે. વ્યાપારી સંગઠનોને આશા છે કે આ પરિષદમાં ચર્ચાયેલા મુદ્દાઓ પર સરકાર અગ્રતાક્રમે લક્ષ આપીને ફક્ત મુંબઈ અને મહારાષ્ટ્રના જ નહીં, દેશના આર્થિક વિકાસ માટે પહેલ કરશે અને વેપારીઓને પ્રોત્સાહિત કરશે.
આ પરિષદ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન - ગ્રોમા, મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઍગ્રિકલ્ચર, ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર, ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ટ્રેડ, મુંબઈ તેમ જ પુણે મર્ચન્ટ્સ ચેમ્બરના સહયોગથી મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિ તરફથી યોજવામાં આવી છે. આ પરિષદ બે સત્રમાં વિભાજિત કરવામાં આવી છે. આ પરિષદમાં સમગ્ર મહારાષ્ટ્રની વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે.
ADVERTISEMENT
આ પરિષદમાં વ્યાપાર વિષયક વિવિધ કાયદાઓ અને વેપાર વિકાસ તેમ જ વૃદ્ધિ માટે આધુનિક તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવા અંગે એક્સપર્ટ પાસેથી માહિતી આપવામાં આવશે. આ માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આની સાથે જ એમએમએમઈ સહ ભારતીય વ્યાપાર કલ્યાણ યોજનાઓના કાયદા બાબતે પણ માહિતી આપવામાં આવશે તેમ જ પારંપરિક વ્યાપારની ઈ-કૉમર્સ સાથેની હરીફાઈ બાબતે પણ સવિસ્તર મંથન કરવામાં આવશે.’
ભીમજી ભાનુશાલીએ વધુમાં કહ્યું હતું કે ‘એક દેશ એક કર અંગેના ધોરણનો સ્વીકાર કરીને જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)નો અમલ કરવામાં આવ્યો હતો તેમ જ સર્વ ખાદ્યાન્ય વસ્તુઓ પર પણ જીએસટી લગાવવામાં આવ્યો છે જેમાં ઘણી કલમો વેપારીઓ માટે અન્યાયકારક છે. એનાથી વેપાર પર વિપરીત પરિણામ આવે છે તેમ જ એપીએમસી કાયદામાં પણ સમય અનુસાર બદલ કરવો જરૂરી છે. એફએસએસએઆઇ કાયદાની અન્યાયકારક અને ગેરવાજબી કલમો રદ કરવા બાબતની માગણી પર પણ પરિષદમાં ચર્ચા કરી સરકાર સમક્ષ કૃતિ સમિતિના માધ્યમથી કાર્યવાહી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. સર્વે વેપારીભાઈઓને મોટી સંખ્યામાં હાજર રહેવાનું આહવાન કરવામાં આવ્યું છે.’
ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ - કૅમિટ દ્વારા સહઆયોજિત સર્વ વેપારી મહાપરિષદમાં મુંબઈ અને મહારાષ્ટ્રના વ્યાપારીઓની હાલાકી ઘટાડવા માટે જીએસટીના કાયદા અંતર્ગત થતી અમુક અસુવિધાઓ તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવશે. આ જાણકારી આપતાં કૅમિટના સેક્રેટરી મિતેષ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં જ સમાપ્ત થયેલી જીએસટીની એમ્નેસ્ટી સ્કીમ હેઠળ શરૂઆતની અડચણો સામે દાખલ વાંધા-વચકાઓનો મહદંશે નિવેડો આવ્યો છે. એમ છતાં જીએસટીની અમુક કલમો જેમ કે ૧૬ (૨) અને ૧૬ (૨)(સી)ને લીધે વેપારીઓને અને ગ્રાહકોને ખૂબ મોટી અડચણો ભોગવવી પડે છે. આ કલમ અંતર્ગત તમે જેમની પાસેથી માલ લીધો હોય તેમનું રિટર્ન કોઈ પણ કારણસર લેટ ફાઇલ થાય તો તમે ભરેલા જીએસટીની ઇનપુટ ક્રેડિટ ક્લેમ નથી કરી શકતા તેમ જ તમારા વતી કલેક્ટ કરેલો જીએસટી તમારો સેલર સરકારમાં જમા ન કરાવે તો એની ચુકવણી પ્રામાણિક વેપારીઓએ ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી સાથે કરવી પડે છે જે તદ્દન અવ્યાવહારિક અને અતાર્કિક છે. અમારી માગણી છે કે આ સમસ્યાનો તાત્કાલિક રીતે પ્રમાણિત કરદાતાઓ અને વેપારીઓની તરફેણમાં કાયદામાં સંશોધન લાવીને હલ કાઢવામાં આવે. આ ઉપરાંત અમુક બીજી કલમો જેના દ્વારા વેપાર અને વ્યવહારમાં અસરળતા અને તકલીફો પડતી હોય એના વિશે બેઠકમાં ચર્ચા કરીને સરકાર સમક્ષ તાત્કાલિક રજૂઆત કરવામાં આવશે.’
આ પરિષદની માહિતી આપતાં ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના અધ્યક્ષ જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફામે વ્યાપાર ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું છે. એના પર સરકારે વ્યવસાયોની સુરક્ષા માટે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે જીએસટી અંતર્ગત એક ખતરનાક કાયદો બનાવવામાં આવ્યો છે. માલ વેચવાવાળો વેપારી જો ખરીદદારો પાસેથી વસૂલ કરેલો ટૅક્સ સરકારના ખાતામાં જમા કરતો નથી તો તેના માટે માલ ખરીદનારે ફરીથી ટૅક્સ ભરવો પડે છે. આ ખતરનાક કાયદો છે. આવી જ રીતે ચેક બાઉન્સના કાયદામાં પણ ફેરફાર જરૂરી છે. વેપારીઓને છેતરપિંડીથી બચાવવા માટે કેન્દ્રના કાનૂનપ્રધાને નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટને વધારે કડક બનાવવાની જરૂર છે. સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદકો પર બીઆઇએસ સંતુલિત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાંથી એપીએમસી ઉપકરને સમાપ્ત કરવાની માગણી કરવામાં આવશે. આ ઉપકરથી કિસાનો પર બોજો પડે છે. બિહાર જેવાં અનેક રાજ્યોમાંથી આ ઉપકરને હટાવી લેવામાં આવ્યો છે. અમે વેપારીઓની સામાજિક સુરક્ષાની પણ માગણી કરી છે. કરદાતા વેપારીઓને મફત મેડિકલ સહાય, પેન્શન જેવી સામાજિક સુરક્ષા પ્રદાન કરવી જરૂરી છે. આવી અનેક માગણીઓ વિશે પણ આ પરિષદમાં ફામ તરફથી ચર્ચા કરવામાં આવશે.’