જોકે બૉમ્બે હાઈ કોર્ટે અરજીની સાથે કરવામાં આવેલી સ્ટેની માગણી ફગાવી
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રની ૨૧થી ૬૫ વર્ષની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવાની રાજ્ય સરકારની મુખ્યમંત્રી લાડકી બહિણ યોજનાને નવી મુંબઈના એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારી છે અને સરકારના નિર્ણય પર સ્ટે મૂકવાની માગણી કરી છે. જનહિતની અરજી કરનારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નવીદ અબ્દુલ સઈદ મુલ્લાએ હાઈ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં નોંધ્યું છે કે ‘મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના અને મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનામાં રાજ્ય સરકારે હજારો કરોડ રૂપિયા ફાળવ્યા છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે લોકો પાસેથી લેવામાં આવેલા ટૅક્સનો દુરુપયોગ છે. આથી આ યોજના રદ કરવામાં આવે અને સરકારના નિર્ણય પર સ્ટે મૂકવામાં આવે.’ આ અરજીની ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ અરજી અને યોજના પર સ્ટે મૂકવાની માગણી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.