થાણે સુધરાઈના અતિક્રમણ વિભાગના અસિસ્ટન્ટ કમિશનર પર હુમલો કરવા બદલ જિતેન્દ્ર આવ્હાડ સહિત સાત જણ સામે ગુનો નોંધાયો: તેમણે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય પર લગાવ્યા ગંભીર આરોપ
હુમલો કરવા બદલ જિતેન્દ્ર આવ્હાડ સહિત સાત જણ સામે ગુનો નોંધાયો
મુંબઈ : થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)ના અતિક્રમણ વિભાગના અસિસ્ટન્ટ કમિશનર મહેશ આહેર પર બુધવારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડના પર્સનલ સેક્રેટરી સહિત અન્યોએ ટીએમસીની ઑફિસની બહાર જ હુમલો કર્યો હતો અને તેમની મારઝૂડ કરી હતી. આ કેસમાં નૌપાડા પોલીસ સ્ટેશનમાં જિતેન્દ્ર આવ્હાડ સહિત સાત જણ સામે ગુનો નોંધાયો છે. ઘાયલ મહેશ આહેરને સારવાર માટે જ્યુપિટર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે કાર્યવાહી કરીને કેટલાક આરોપીઓને ઝડપી લીધા છે.
મહેશ આહેર સાંજે પોણાસાત વાગ્યે ઑફિસથી ઘરે જવા નીકળ્યા હતા ત્યારે આવ્હાડના પર્સનલ સેક્રેટરી અભિજિત પવાર સાથે હેમંત વાણી, વિક્રમ ખામકર અને અન્યોએ તેમના પર ઑફિસના ગેટની બહાર હુમલો કરી દીધો હતો. એ વખતે તેમની સાથે પોલીસનો ગાર્ડ પણ હતો. હુમલો થતાં પહેલાં એ ગાર્ડે હુમલો રોકવાનો અને મહેશ આહેરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ વખતે એ ગાર્ડ પર હુમલો થતાં ગાર્ડે પોતાની ગન બહાર કાઢીને હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાર્ડ તેમને ફરી ઑફિસમાં લઈ ગયો હતો. ત્યાર બાદ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આવ્યા હતા અને આ બાબતે સત્તાવાર રીતે ફરિયાદ કરવામાં આવી હતી. જિતેન્દ્ર આવ્હાડની દીકરી નતાશાએ પણ નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડની દીકરી અને જમાઈને મારી નાખવા સંદર્ભની એક ઑડિયો ક્લિપ વાઇરલ થયા બાદ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના કાર્યકરો દ્વારા આ હુમલો કરાયો હતો.
એવું કહેવાય છે કે ઑડિયો ક્લિપમાં જિતેન્દ્ર આવ્હાડની દીકરી નતાશા અને તેમના જમાઈને જાનથી મારી નાખવાનો ઉલ્લેખ કરાયો છે. વળી તેમનો જમાઈ સ્પેનમાં જ્યાં રહે છે ત્યાંનું ઍડ્રેસ પણ મળી ગયું હોવાનું કહેવાય છે જેમાં અવાજ મહેશ આહેરનો હોવાનો દાવો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે કર્યો છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘એ ઑડિયો ક્લિપમાં ‘બાબાજી’નો ઉલ્લેખ કરાયો છે તે અન્ડરવર્લ્ડનો નામચીન સુભાષ સિંહ ઠાકુર છે અને એમાં જેનો અવાજ છે એ મહેશ આહેરનો છે. હું પોલીસમાં ફરિયાદ નહીં કરું, કારણ કે ફરિયાદ કર્યા પછી પણ કંઈ વળતું નથી. પોલીસ તપાસ ચાલી રહી છે એમ કહે છે અને આરોપીઓ આપણી સામે જ ફરતા હોય છે. તો પછી ફરિયાદ કરીને પણ શું વળવાનું?’
ADVERTISEMENT
સામે પક્ષે મહેશ આહેરે કહ્યું હતું કે ‘આવ્હાડને જાનથી મારી નાખવાની જે ક્લિપ વાઇરલ થઈ છે એ મેં સાંભળી નથી એટલે એ અવાજ કોનો છે એ હું ન કહી શકું, પણ પાંચમી જાન્યુઆરીએ મેં એક જણ સામે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે જેમાં મેં પેન ડ્રાઇવ આપી છે. એમાં કેટલીક ઑડિયો ક્લિપ છે. એ ઑડિયો ક્લિપમાં મારી હત્યાની સુપારી અપાઈ છે અને એ વ્યક્તિ જિતેન્દ્ર આવ્હાડનું નામ લે છે. મેં કરેલી એ ફરિયાદ બાદ એ વ્યક્તિની ધરપકડ પણ કરાઈ હતી.’
મહેશ આહેરે વધુમાં કહ્યું હતું કે ‘હું ૨૦૧૯થી મુંબ્રામાં અસિસ્ટન્ટ કમિશનર છું. મેં અનેક વાર ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યાં છે. એ બાંધકામો હું ન તોડું એ માટે મારા પર બહુ જ પ્રેશર હતું. મારા અને મારા પરિવારને ગાળો ભાંડવામાં આવતી હતી. મેં અતિક્રમણ વિભાગનો પદભાર સંભાળ્યો ત્યારે મારા મતદાર સંઘમાં મને પૂછ્યા સિવાય કોઈ કાર્યવાહી કરવી નહીં એમ જિતેન્દ્ર આવ્હાડે મને કહ્યું હતું. આવી ઘણી બાબતો છે જે હું થોડા દિવસોમાં બહાર લાવીશ. મને અને મારા પરિવારને જિતેન્દ્ર આવ્હાડ અને તેમના કાર્યકરોથી જોખમ છે. તેણે મને અવારનવાર ત્રાસ
આપ્યો છે.’