સમૃદ્ધિ મહામાર્ગ પર ઊભેલી ટ્રક સાથે પાછળથી કાર અથડાઈ: કાર ચલાવનારની પત્ની અને પુત્રી સહિત ત્રણ જણને ગંભીર ઈજા
સમૃદ્ધિ મહામાર્ગ પર અકસ્માત થયા બાદ કારના દરવાજા કાપીને પિતા-પુત્રના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મુંબઈ-નાગપુર વચ્ચે સમૃદ્ધિ મહામાર્ગ પર ગઈ કાલે સવારના નવી મુંબઈના પરિવારની કારનો અકસ્માત થયો હતો. એમાં ૪૪ વર્ષના પરાગ સોનાર અને તેમના ૭ વર્ષના પુત્ર અનુષે જીવ ગુમાવ્યા હતા, જ્યારે પરાગની ૪૦ વર્ષની પત્ની દીપાલી અને ૧૭ વર્ષની પુત્રી ઋજુલ સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. માલેગાવ પોલીસના જણાવ્યા મુજબ નવી મુંબઈમાં રહેતો પરાગ સોનાર પરિવાર સાથે કારમાં વર્ધા જઈ રહ્યો હતો. તેઓ સમૃદ્ધિ મહામાર્ગ પર વાશિમમાં આવેલા માલેગાવથી શેલુ બજાર નાગપુર તરફની લેનમાં હતા ત્યારે કાર ધડાકા સાથે ઊભી રહેલી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે અડધાથી વધુ કાર ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. પરાગ સોનાર કાર ચલાવી રહ્યો હતો અને અનુષ બાજુની સીટમાં હતો એટલે તેમના માથામાં ગંભીર ઈજા થવાથી તેઓ મૃત્યુ થયા હતા. કારના દરવાજા કાપીને પિતા-પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પાછળની સીટમાં બેસેલી પરાગની પત્ની, પુત્રી અને એક બાળકને ગંભીર ઈજા થઈ હતી. તેમને અકોલાની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ-નાગપુર વચ્ચેના સમૃદ્ધિ મહામાર્ગ પર સતત થઈ રહેલા અકસ્માત બાબતે હાઇવે ઑથોરિટી અને સંબંધિત વિભાગોએ બુધવારે જ ચિંતા વ્યક્ત કરી હતી.
ડિસેમ્બર ૨૦૨૨માં શરૂ થયેલા આ હાઇવે પર અત્યાર સુધીમાં ૧૨૮૨ અકસ્માત થયા છે અને ૬૭ વાહનોની અથડામણમાં ૧૩૫ લોકોના જીવ ગયા છે.

