ડૉક્યુમેન્ટ્સ સાથે છેડછાડ કરીને લંડનથી મુંબઈ આવેલા કાંદિવલીના વેપારીની ધરપકડ : પિતા બીમાર હોવાની માહિતી આપીને ઇમર્જન્સી સર્ટિફિકેટ પર આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ કાંદિવલીમાં રહેતા પિતા બીમાર હોવાની માહિતી આપીને અમેરિકામાં છેલ્લાં પચીસ વર્ષથી સ્થાયી થયેલો ૪૧ વર્ષનો વેપારી પાસપોર્ટ પર ઇશ્યુ ડેટ અને એક્સપાયરી ડેટ બદલી ઇમર્જન્સી સર્ટિફિકેટ મેળવીને મુંબઈ આવ્યો હતો. જોકે મુંબઈ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે વેપારીના ડૉક્યુમેન્ટ્સ બારીકાઈથી તપાસતાં તેનો પાસપોર્ટ ૨૦૨૧માં એક્સપાયર થયો હોવાની માહિતી મળી હતી. બીજા ડૉક્યુમેન્ટ્સ છેતરપિંડી કરીને મેળવ્યા હોવાનું સામે આવતાં તેની સામે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
વસઈમાં ડી. જી. નગર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન બ્યુરોમાં કાર્યરત અજિત ખત્રી શુક્રવારે સવારે પોતાની ફરજ બજાવી રહ્યો હતો. એ દરમ્યાન ઇમિગ્રેશન કાઉન્ટર પર પૅસેન્જર પાર્થ શાંતિલાલ સાવલા બોર્ડિંગ તપાસ માટે આવ્યો હતો. તેણે ભારતીય ઇમર્જન્સી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે પાર્થનો બોર્ડિંગ પાસ પ્રથમે ચેક કર્યો ત્યારે તે લંડનથી મુંબઈ આવ્યો હતો. ત્યાર બાદ તેનો પાસપોર્ટ તપાસતાં તે ન્યુ યૉર્ક ખાતે જારી કરાયો હોવાનું લખાયેલું હોવાથી મુંબઈ ઍરપોર્ટ સિસ્ટમ પર પાસપોર્ટ નંબર તપાસ્યો ત્યારે જાણવા મળ્યું કે આ પાસપોર્ટની ઇશ્યુ તારીખ ૧-૨-૨૦૧૧ અને સમાપ્તિ તારીખ ૩૧-૧-૨૦૨૧ છે. જોકે પાસપોર્ટમાં ૧-૨-૨૦૨૩નો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી સિનિયર અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ વેપારીએ જણાવ્યું કે તે ૧૯૮૪થી યુએસએમાં રહે છે અને તેનો ભારતીય પાસપોર્ટ એપ્રિલ ૨૦૧૩માં ચોરાઈ ગયો હતો. હાલમાં તેના પિતા બીમાર છે અને તે તેના પિતાને મળવા ભારત આવવા માગતો હતો એટલે તેના ભારતીય પાસપોર્ટની નકલમાં ઇશ્યુ તારીખ અને સમાપ્તિ તારીખ અનધિકૃત રીતે બદલી કરવામાં આવી હતી. તેણે આ પાસપોર્ટની નકલ સૅન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને પણ સબમિટ કરી હતી. આ ઘટનાની જાણ સહાર પોલીસ સ્ટેશનને કરીને પાર્થ સાવલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મૂળ કાંદિવલીના એમ. જી. રોડ ખાતેની શિવાજી લેનની એક સોસાયટીનો રહેવાસી છે. હાલમાં તેનો પરિવાર અહીં રહે છે એવી અમને પ્રાથમિક માહિતી મળી છે. પ્રાથમિક માહિતી અનુસાર અમે તેની સામે ફરિયાદ નોંધીને હ્યુમેનિટી ગ્રાઉન્ડ પર તેના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ કરીને એ તપાસવાની કોશિશ કરી રહ્યા છીએ કે શું સાચે જ તેના પિતા બીમાર છે અને એ માટે જ તે ભારત આવ્યો છે કે કેમ.’