જામનગરથી મુંબઈ ફરવા આવેલા વેપારીએ નાનપણના મિત્રને હોટેલમાં મળવા બોલાવતાં મિત્રએ જ તેના દાગીના અને રોકડ મળીને ૧૨ લાખ રૂપિયાની કરી ચોરી
મિત્રનો ડગો
આરોપી સંજય સોનેચા
મુંબઈ : જામનગરમાં રહેતો અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતો વેપારી તેના ત્રણ મિત્રો સાથે મુંબઈ ફરવા આવ્યો હતો. મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યા પછી તેણે હોટેલમાં સ્ટે કર્યો હતો. એ પછી વેપારીએ છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈમાં રહેતા તેના મિત્રને મળવા બોલાવ્યો હતો. તે જ મિત્ર રાતે વેપારીના સોનાના દાગીના અને રોકડ પર હાથ સાફ કરીને હોટેલમાંથી નીકળી ગયો હતો. વેપારીએ એ પછી મિત્રનો સંપર્ક કરવાની કોશિશ કરતાં તેનો નંબર બંધ આવ્યો હતો. ત્યાર પછી આ ઘટનાની ફરિયાદ ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
જામનગરમાં મોમાઈનગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ૪૨ વર્ષના મૂળરાજસિંહ ઝાલાએ કરેલી ફરિયાદ અનુસાર પહેલી ફેબ્રુઆરીએ તેઓ દુષ્યંતસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા અને કિશોરસિંહ પરમાર સાથે મુંબઈ ફરવા આવ્યા હતા. રાત્રે નવ વાગ્યે મુંબઈ ઍરપોર્ટ પર ઊતર્યા બાદ ડોમેસ્ટિક ઍરપોર્ટની નજીક તાજ હોટેલમાં ૬૩૨ નંબરની રૂમમાં તેઓ રોકાયા હતા. દરમિયાન તેમણે પહેલાં મૂળ જામનગરના અને છેલ્લાં ત્રણ વર્ષથી મીરા રોડમાં રહેતા નાનપણના મિત્ર સંજય સોનેચાને મળવા માટે હોટેલ પર બોલાલ્યો હતો. તે રાતે બે વાગ્યે હોટેલ પર આવ્યો હતો અને હોટેલમાં જ રોકાઈ સવારે પાછો ઘરે જવાનું કહીને દારૂની પાર્ટી કરવા બેસી ગયો હતો. મૂળરાજભાઈ સવારે ઊઠ્યા ત્યારે તેમણે રાખેલા આશરે નવ લાખ રૂપિયાના દાગીના અને ત્રણ લાખ રૂપિયાની રોકડ મળી નહોતી. એટલે તેમણે તરત આખા રૂમમાં શોધ કરી હતી. એ પછી મિત્ર સંજયને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવ્યો હતો. અંતે હોટેલના સીસીટીવી કૅમેરાનું ફુટેજ તપાસતાં એમાં સવારે છ વાગ્યે સંજય તમામ માલ ચોરીને હોટેલની રૂમમાંથી બહાર નીકળતો દેખાયો હતો. ત્યાર બાદ આ ઘટનાની ફરિયાદ ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
મૂળરાજસિંહ ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં હું જામનગર આવી ગયો છું. ચોરી થઈ એનું દુખ નથી, પણ ચોરી મારા મિત્રએ મારી પીઠ પાછળ કરી એનું દુખ છે. જો તેને જરૂર હોત અને પૈસા માગીને લીધા હોત તો આનાથી પણ વધારે હું આપત, પણ તેણે પીઠ પાછળ આવું કર્યું એટલે મને પોલીસમાં ફરિયાદ કરવાની ફરજ પડી છે.’
ઍરપોર્ટ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ભાગવત ગરાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. જોકે આરોપીની હાલમાં કોઈ માહિતી મળી નથી. અમે તેને શોધી રહ્યા છીએ.’