શરદ પવાર કહે છે કે યુપીએના અધ્યક્ષ બનવાની વાતોમાં તથ્ય નથી
શરદ પવાર
કેન્દ્રના વિપક્ષી ગઠબંધન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)ના અધ્યક્ષપદની શરદ પવારની દાવેદારી કૉન્ગ્રેસને ખતમ કરવાનું કાવતરું હોવાનો દાવો મુંબઈના કૉન્ગ્રેસી નેતા સંજય નિરુપમે કર્યો હતો. સંજય નિરુપમે એ કાવતરામાં અન્ય પક્ષોના નેતાઓ ઉપરાંત કૉન્ગ્રેસનાં આંતરિક પરિબળો પણ સક્રિય હોવાના સંકેતો આપ્યા હતા. બીજી બાજુ પોતે યુપીએના અધ્યક્ષપદના દાવેદાર હોવાનો શરદ પવારે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
સંજય નિરુપમે ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીથી મુંબઈ સુધી અભિયાન ચાલી રહ્યું છે. શરદ પવાર યુપીએના અધ્યક્ષ બનશે એવી અફવા ઉડાવવાની પ્રવૃત્તિ રાહુલ ગાંધી વિરોધી અભિયાનના ભાગરૂપ છે. એ અભિયાનના ભાગરૂપે ૨૩ કૉન્ગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. રાહુલજીના નેતૃત્વમાં સાતત્યનો અભાવ શોધવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કૉન્ગ્રેસને ખતમ કરવાનું કાવતરું છે.’
ADVERTISEMENT
ગઈ કાલે ખેડૂતોના આંદોલનના મુદ્દે રાષ્ટ્રપતિને મળવા ગયેલા વિરોધ પક્ષોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શરદ પવારે સંભાળ્યું હતું. ત્યાર પછી શરદ પવારે જણાવ્યું હતું કે હું યુપીએનો અધ્યક્ષ બનીશ એવા પ્રસાર માધ્યમોએ પ્રકાશિત કરેલા સમાચારો ખોટા છે. એનસીપીએ પણ દિલ્હીની સરહદે ચાલતા ખેડૂતોના આંદોલન પરથી લોકોનું ધ્યાન હટાવવાના ઉદ્દેશથી શરદ પવારની યુપીએના પ્રમુખપદની ઉમેદવારીના સમાચાર ફેલાવાતા હોવાનું જણાવ્યું હતું. શિવસેનાએ એ સમાચારનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીને એક ગાંઠે બાંધી રાખનારા નેતા શરદ પવાર જો યુપીએના પ્રમુખ બનતા હોય તો અમે પણ યુપીએમાં જોડાવા વિશે વિચારીશું.

