BESTની બસની અંદર જ કન્ડક્ટર પર લૂંટના ઇરાદે ચાકુથી હુમલો
ઘાયલ કન્ડક્ટર અશોક ઢગલે.
ધારાવીમાં BESTની બસના કન્ડક્ટરને ગુરુવારે રાતે લૂંટવા તેના પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. લૂંટારો કન્ડક્ટરનો મોબાઇલ ઝૂંટવીને નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા કન્ડક્ટરને ત્યાર બાદ સાયન હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, જ્યારે સાયન પોલીસે ઝડપી તપાસ કરીને હુમલાખોર શાહબાઝ ખાનને ઝડપી લીધો હતો એટલું જ નહીં; તેની પાસેથી કન્ડક્ટરનો મોબાઇલ અને તેણે હુમલો કરવા વાપરેલું ચાકુ પણ જપ્ત કર્યું છે.
ધારાવી પોલીસના જણાવ્યા અનુસાર BESTની બસ-નંબર ૭ની વિક્રોલી ડેપો જઈ રહેલી બસ સાયન ડેપો પાસેથી રાતે ૯.૦૫ વાગ્યે ઊપડી ત્યારે એમાં આરોપી યુવાન ચડી ગયો હતો. તેણે ૪૪ વર્ષના બસ-કન્ડક્ટર અશોક ઢગલેની પૈસાની બૅગ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે કન્ડક્ટર અશોકે તેનો વિરોધ કર્યો હતો. એથી બૅગ ઝૂંટવી લેવા ઝનૂની બનેલા આરોપીએ પોતાની પાસેના ચાકુથી કન્ડક્ટર પર હુમલો કર્યો હતો. એમાં કન્ડક્ટરને ડોકની નીચે અને ખભા પર ગંભીર ઈજા થઈ છે. એમ છતાં કન્ડક્ટરે બૅગ ન આપતાં આખરે આરોપી યુવાન તેનો મોબાઇલ લઈને નાસી ગયો હતો. આ સંદર્ભે કન્ડક્ટર અશોક ઢગલેએ ધારાવી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ તેને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. તેને હાલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સાયન પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ઝડપી કાર્યવાહી કરી હતી. તે યુવાન જ્યાં ઊતર્યો હતો ત્યાં કોઈ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા નહોતા એટલે તેની કોઈ ઇમેજ પોલીસ પાસે નહોતી. પોલીસે ત્યાર બાદ ખબરી નેટવર્કમાં એ વિશે માહિતી સર્ક્યુલેટ કરી હતી. ખબરી નેટવર્કમાંથી શાહબાઝ ખાને હુમલો કરીને લૂંટ ચલાવી હોવાની માહિતી પોલીસને મળી હતી. શાહબાઝને ત્યાર બાદ ઝડપી લેવાયો હતો અને તેની પાસેથી ચોરેલો મોબાઇલ રિકવર કરવા ઉપરાંત હુમલો કરવા વાપરેલું ચાકુ પણ તેની પાસેથી મળી આવ્યું હતું. પોલીસે કેસની વધુ તપાસ શરૂ કરી છે.