એસી લોકલમાં રહી ગયેલી ડાયમન્ડ્સ મૂકેલી બૅગમાંથી મળેલા નામ પરથી એના માલિકનો ચહેરો ફેસબુક પર કન્ફર્મ કરીને તેને પાછી આપી : રેલવે પોલીસ અને એસી લોકલ ટ્રેનનું ગ્રુપ તેમનું સન્માન કરશે
Honesty
પારસી રેલવે પ્રવાસી રુસ્તમ રૂપા અને ટ્રેનમાં રહી ગયેલી બૅગ.
મુંબઈ : ટ્રેનમાં બૅગ ગુમ થાય અને એમાં લાખો રૂપિયાના ડાયમન્ડના દાગીના હોય તો એ પાછી મળશે એવો વિચાર પણ આપણે રાખી શકીએ ખરા? જોકે ભાઈંદરના પદમાવતીનગરમાં રહેતા ડાયમન્ડ મર્ચન્ટની ડાયમન્ડની બૅગ ટ્રેનમાં ભૂલથી રહી ગઈ હતી, પરંતુ એને એક ઈમાનદાર પારસી રેલવે પ્રવાસીએ પાછી આપતાં તેમને ડાયમન્ડ મર્ચન્ટે અને તેમના પરિવારે ખૂબ ધન્યવાદ કહ્યા હતા. ફેસબુકની મદદ લઈને બૅગ એના મૂળ માલિકને પાછી અપાતાં આ પારસીભાઈનું તેમનું એસી લોકલ ટ્રેનનું ગ્રુપ જ નહીં, વસઈ રેલવે પોલીસ સુધ્ધાં સન્માન કરવાની છે.
રૅકના પાછળના ભાગમાં મળી
આ બનાવ વિશે માહિતી આપતાં નાલાસોપારામાં રહેતા રુસ્તમ રૂપાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું અને મારા મિત્રો રાતની એસી લોકલમાં પ્રવાસ કરીએ છીએ. હું આર્કિટેક્ટ છું અને બાંદરા ઑફિસે જતો હોઉં છું. જેમની બૅગ હતી તેઓ ભાઈંદરમાં રહેતા ધર્મેશ શાહ છે. રાતના સમયે ટ્રેનમાં ભીડ વધુ હોવાથી કોચની ઉપરની રૅક પર ઘણીબધી બૅગ હતી. ભાઈંદર આવતાં ધર્મેશભાઈએ બૅગ શોધી તો તેમને દેખાઈ ન હોવાથી એવું લાગ્યું કે અન્ય પ્રવાસી તેમની બૅગ લઈ ગયો. એથી તેઓ પણ ત્યાં રહેલી ગ્રે કલરની બૅગ લઈને ઊતરી ગયા હતા. કોચમાં બૂમાબૂમ થતાં ધર્મેશભાઈનો ચહેરો મને ધ્યાનમાં રહી ગયો હતો. વસઈ લોકલ હોવાથી વસઈ આવતાં બધા ઊતરવા લાગ્યા ત્યારે બૅગની પાછળ તે ભાઈની ગ્રે કલરની બૅગ મળી હતી. અનેક પ્રવાસીઓ મને પૂછવા લાગ્યા કે અંદર શું છે એ જુઓ. મેં જોયું તો ડાયમન્ડનાં અમુક બિલ હતાં. એટલે વધુ કંઈ મૂલ્યવાન હોવાનો અંદાજ આવતાં મેં પ્રવાસીઓને કહ્યું કે બીજાં કપડાંનાં બિલ જ છે.’
ADVERTISEMENT
ફેસબુક પર ચહેરો કન્ફર્મ કર્યો
કોઈની બૅગ આપણે ખોલીએ નહીં, પરંતુ એના માલિક સુધી પહોંચવું હોવાથી એમાંથી મદદ મળી શકે એમ જણાવીને રુસ્તમ રૂપાએ કહ્યું હતું કે ‘બૅગમાં એક નાનું પૅકેટ મળ્યું હતું. એના પર ફ્રૉમ, ટુ કરીને નામ લખ્યું હતું. એથી મેં ફ્રૉમમાં જેનું નામ હતું એ નામથી પહેલાં તો ફેસબુક પર સર્ચ કર્યું હતું. સર્ચ કરતાં ધર્મેશભાઈનો ફોટો જોવા મળ્યો એટલે મને કન્ફર્મ થયું કે આ તેમની જ બૅગ છે. એથી એના પર રહેલા ફોન-નંબર પર મેં ફોન કર્યો અને બધી પૂછપરછ કરીને બધાં ઓળખપત્રો સાથે બૅગ લઈ જવા કહ્યું હતું. તેમને મારી સોસાયટીમાં બોલાવીને તપાસ કરીને બધાની સામે બૅગ પાછી આપી હતી. તેઓ અને તેમના પરિવારજનો એટલા ખુશ થઈ ગયા કે અનેક વખત ધન્યવાદ આપ્યા હતા. મારું એસી લોકલ ટ્રેનનું મોટું ગ્રુપ છે. તેઓ એક કાર્યક્રમ રાખીને મારું સન્માન કરશે. એની સાથે વસઈ રેલવે પોલીસે પણ મને બોલાવ્યો છે. પારસીભાઈ ક્યારેય કોઈની વસ્તુ કે પૈસાને હાથ લગાવે નહીં, પણ અજાણી રીતે કોઈને મદદ કરવાની તક મળી હોવાથી મને ખૂબ સારું લાગ્યું હતું.’
બૅગ મળશે એવું વિચાર્યું નહોતું
મરીન લાઇન્સમાં જે. એન. ડાયમન્ડ્સ નામની ઑફિસ ધરાવતા ભાઈંદરના ડાયમન્ડ મર્ચન્ટ ધર્મેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતે ટ્રેનમાં બૅગ ખૂબ ઉપર મૂકી દીધી હોવાથી મારી બૅગ એકદમ પાછળ જતી રહી હતી. એથી મારી બૅગ મને દેખાઈ ન હોવાથી અને અન્ય એક પ્રવાસીની પણ ગ્રે બૅગ હોવાથી હું એ લઈને ઊતરી ગયો હતો. નીચે ઊતરી બૅગમાંથી નંબર શોધી ગ્રે બૅગવાળાને ફોન કરતાં તેની પાસે મારી બૅગ નહોતી. એટલે તેને મેં તેની બૅગ પાછી આપી હતી. તરત જ મેં ભાઈંદર રેલવે પોલીસમાં ફરિયાદ કરી હતી. એની નોંધ વસઈ થતી હોવાથી હું ત્યાં પહોંચ્યો અને ફરિયાદ કરી હતી. બૅગમાં છ લાખ રૂપિયાથી વધુની કિંમતની ડાયમન્ડ ઇયર-રિંગ અને અન્ય મહત્ત્વની વસ્તુઓ હતી. મને રાતના રુસ્તમ રૂપાનો ફોન આવ્યો હતો. તેમણે મને બૅગ પાછી આપતાં મને વિશ્વાસ જ થયો નહીં કે આ મારી બૅગ છે. આજના યુગમાં આવી સચ્ચાઈને સૅલ્યુટ છે.’
રેલવે પોલીસ સન્માન કરશે
વસઈ જીઆરપીના સિંનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન ઇન્ગાવલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બૅગ ગુમ થઈ હોવાની ફરિયાદ મળી હોવાથી પોલીસે એની તપાસ શરૂ કરી દીધી હતી. બૅગમાં લાખો રૂપિયાના ડાયમન્ડ્સ હોવાથી એ કોઈ પ્રવાસી પાછી આપશે એ આશા ઓછી હતી. જોકે એક પ્રવાસીએ બૅગને સંભાળીને રાખવાની સાથે એના માલિકને શોધીને પાછી આપી હતી. તેમની આ ઇમાનદારીનું સન્માન કરવા અમે રુસ્તમ રૂપાને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે.’
બૅગમાં એક નાનું પૅકેટ મળ્યું હતું. એના પર ફ્રૉમ, ટુ કરીને નામ લખ્યું હતું. એથી મેં ફ્રૉમમાં જેનું નામ હતું એ નામથી પહેલાં તો ફેસબુક પર સર્ચ કર્યું હતું. સર્ચ કરતાં ધર્મેશભાઈનો ફોટો જોવા મળ્યો એટલે મને કન્ફર્મ થયું કે આ તેમની જ બૅગ છે.
રુસ્તમ રૂપા