મંગળવારે બપોરે ખારની દુકાનમાંથી બાથરૂમ જઈને આવું છું એમ કહીને નીકળ્યા બાદ હજી પાછા નથી આવ્યા
લાલજીભાઈ છેડા
કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા ૭૫ વર્ષના લાલજીભાઈ છેડા મંગળવારે બપોરે ખારમાં એસ. વી. રોડ પર તેમની ગાર્મેન્ટની દુકાનમાંથી એકાએક બહાર નીકળી ગયા હોવાથી ખાર પોલીસે ગઈ કાલે તેમની મિસિંગની ફરિયાદની નોંધ કરી હતી. ભૂલવાની બીમારી ધરાવતા લાલજીભાઈ બાથરૂમ જઈને આવું છું એમ કહી દુકાનમાંથી નીકળી ગયા બાદ પાછા ફર્યા ન હોવાની માહિતી પરિવારે આપી હતી. ઉપરાંત લાલજીભાઈને શોધવા માટે ખાર પોલીસે એક સ્પેશ્યલ ટીમની રચના કરી છે જે લાલજીભાઈને શોધવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે.
પપ્પાને ભૂલવાની બીમારી છે એટલે તેઓ ક્યાં હશે અને શું કરી રહ્યા હશે એની સતત ચિંતા અમને થઈ રહી છે એમ જણાવતાં લાલજીભાઈના પુત્ર હિતેશ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રોજિંદા ક્રમની જેમ પપ્પા અમારી સાથે સવારે દસ વાગ્યાની આસપાસ દુકાને આવ્યા હતા. તેમને ભૂલવાની બીમારી હોવાથી કોઈ ને કોઈ તેમની સાથે રહેતું જ હોય છે. બપોરે દુકાનમાં ગ્રાહક હતા એટલામાં પપ્પા બાથરૂમ જઈને આવું છું એમ કહી દુકાનની બહાર નીકળી ગયા હતા ત્યાર બાદ કલાકો સુધી તેઓ પાછા ન ફરતાં અમે બાથરૂમ નજીક જઈ તેમની શોધ કરી હતી પણ તેઓ નહોતા મળ્યા. ત્યાર બાદ નજીકના વિસ્તારોમાં અમે પપ્પાની શોધ કરી હતી, સાથે સ્ટેશન અને બસ-સ્ટૉપ પર પણ પપ્પાની શોધ કરી હતી, કોઈ વિસ્તારમાં પપ્પા ન મળતાં અમે અંતે ખાર પોલીસ સ્ટેશનમાં તેઓ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
ગુમ થયેલી વ્યક્તિને ભૂલવાની બીમારી હતી. તેમને શોધવા માટે અમે એક સ્પેશ્યલ ટીમ બનાવી છે એમ જણાવતાં ખાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ ધુમલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ટીમ જે વિસ્તારમાંથી તેઓ ગુમ થયા એ વિસ્તારનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સ્કૅન કરી રહી છે. એ ઉપરાંત નજીકનાં પોલીસ-સ્ટેશનોને પણ લાલજીભાઈ વિશે માહિતી આપવામાં આવી છે. સાથે પૅટ્રોલિંગ ટીમને તમામ મંદિરો, ધર્મશાળા સાથે હૉસ્પિટલોમાં વૉચ રાખવા માટે કહેવામાં આવ્યું છે. લાલજીભાઈ પાસે એક મોબાઇલ છે, જે સાદો ફોન હોવાની સાથે હાલમાં બંધ છે. એનું પણ લોકેશન કાઢવાની કોશિશ અમારી ટીમ કરી રહી છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને પણ આ સંબંધી માહિતી આપવામાં આવી છે.’