આર્મીના જવાનોની કુંડળી બનાવવી છે એમ કહીને વિલે પાર્લેનાં ગુજરાતી મહિલા જ્યોતિષી સાથે થઈ ૧.૬૫ લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડી
પ્રતીકાત્મક તસવીર
વિલે પાર્લે-વેસ્ટમાં બાપુભાઈ વશી રોડ પર રહેતાં ૭૦ વર્ષનાં ગુજરાતી મહિલા જ્યોતિષી સાથે આર્મીના જવાનોની કુંડળી કાઢવી છે એમ કહીને ૧.૬૫ લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ જુહુ પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ હતી. સાઇબર ગઠિયાએ પોતાની ઓળખ આર્મીના ઑફિસર તરીકે આપી હતી અને કહ્યું હતું કે મારા તમામ જવાનોની કુંડળી બનાવવી છે જે માટેનો તમામ ખર્ચ સરકાર કરશે અને તમામ ચાર્જ ઍડ્વાન્સમાં આપી દેવામાં આવશે. આમ કહી મહિલાને વિડિયો-કૉલ કરી તેના બૅન્ક-અકાઉન્ટની તમામ માહિતી લીધા બાદ ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સાઇબર ગઠિયાએ મહિલાનાં ત્રણ બૅન્ક-અકાઉન્ટમાંથી ૭ ટ્રાન્ઝૅક્શન કરીને આશરે ૨૦ મિનિટમાં તમામ પૈસા ઉપાડી લીધા હતા એમ જણાવતાં જુહુ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે મહિલા જ્યોતિષીને એક અજાણ્યા યુવાને ફોન કરીને પોતાની ઓળખ આર્મીના ઑફિસર તરીકે આપી હતી અને તમારો નંબર મને પૂજા મૅડમે આપ્યો છે એમ કહ્યું હતું. પછી તેણે મારી અને આર્મીના મારા બીજા ભાઈઓની કુંડળી બનાવવી છે એમ કહ્યું હતું. એની સામે કુંડળી બનાવવા માટે મહિલાએ ૩૦૦૦ રૂપિયા ચાર્જ કહેતાં સામેના યુવાને કહ્યું હતું કે હું તમારો નંબર મારા સિનિયર અધિકારીને આપું છું. એ પછી થોડી વારમાં સંદીપ રાવત નામના યુવાને મહિલાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મારી હાથ નીચે રહેલા તમામ જવાનોની કુંડળી બનાવવાની છે, આ માટેનો તમામ ખર્ચ સરકાર કરશે અને તમામ પૈસા ઍડ્વાન્સ આપવામાં આવશે; પણ એ પહેલાં તમારે બીજા કોઈ મોબાઇલથી મને વિડિયો-કૉલ કરીને તમારો મોબાઇલ બતાવવો પડશે. એટલે મહિલાએ તેના દીકરાના મોબાઇલથી સંદીપને વિડિયો-કૉલ કરીને પોતાનો મોબાઇલ બતાડ્યો હતો. એમાં સંદીપે તમામ બૅન્કની માહિતી ઉપરાંત ગૂગલ પેમાં જઈને ખાતામાં કેટલું બૅલૅન્સ છે એ જોઈ લીધું હતું. ત્યાર પછી સંદીપે હું થોડી જ વારમાં તમારા ખાતામાં પૈસા જમા કરાવું છું એમ કહીને ફોન કાપી નાખ્યો હતો. મહિલાએ આશરે એક કલાક બાદ પૈસા આવ્યા કે નહીં એ જોવા બૅન્ક-ખાતું તપાસતાં પોતાનાં ત્રણે બૅન્ક-અકાઉન્ટમાં રહેલા ૧.૬૫ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાનું દેખાઈ આવ્યું હતું. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. હાલમાં આ કેસમાં અમે રિકવરી માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT