ઘર ખોલવામાં આવ્યું તો ખબર પડી કે પત્નીની હત્યા કર્યા પછી પતિએ ત્રીજા માળેથી ઝંપલાવ્યું હતું : નવાઈની વાત એ છે કે કપલ બપોરની ફ્લાઇટમાં દીકરાને મળવા દિલ્હી જવાનું હતું
ગોરેગામના ઘટનાસ્થળે પોલીસ અને મેડિકલ ટીમ.
ગોરેગામ-વેસ્ટમાં રહેતા ૫૬ વર્ષના કિશોર પેડણેકરે શુક્રવારે સવારે તેની ૫૪ વર્ષની ડૉક્ટર-પત્ની રાજશ્રીનું ગળું દબાવીને હત્યા કર્યા પછી ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગોરેગામ પોલીસને માહિતી મળ્યા બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્યારે કિશોરના ગળામાં તેના ઘરની ચાવી લટકતી જોવા મળી હતી. એની મદદથી ઘર ખોલવામાં આવ્યું ત્યારે બેડરૂમમાં રાજશ્રીની ડેડ-બૉડી મળી આવી હતી. પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ પોલીસે આ ઘટના પાછળનું મૂળ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
નવાઈની વાત એ છે કે પેડણેકર કપલ ગઈ કાલે બપોરે ૧૨.૫૫ વાગ્યાની ફ્લાઇટમાં દિલ્હી પોતાના દીકરાને મળવા જવાનું હતું. કિશોર પેડણેકરે આત્મહત્યા કરવા પહેલાં તેમના સાઢુને મેસેજ કરીને પોતે જીવન ટૂંકાવી રહ્યો હોવાનું કહ્યું હતું. તેમણે મેસેજમાં પોતાની બૅન્કની માહિતી પણ સાઢુને મોકલી હતી અને પોતાના દીકરાને એમાં નૉમિની બનાવવા કહ્યું હતું.
ADVERTISEMENT
દંપતીને એક પુત્ર છે જે દિલ્હીમાં મોબાઇલ કંપનીમાં નોકરી કરે છે. કિશોર પેડણેકર જિમ ઇક્વિપમેન્ટ્સ કંપનીમાં સેલ્સ-મૅનેજર હતો અને તેની પત્ની રાજશ્રી મલાડની એક હૉસ્પિટલમાં ફિઝિયોથેરપિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતી હતી એમ જણાવતાં ગોરેગામ ડિવિઝનનાં અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર (ACP)રેણુકા બગાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી પ્રમાણે કિશોરે આત્મહત્યા કરતાં પહેલાં તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કિશોર ડિપ્રેશનથી પીડાતો હોવાની માહિતી અમને મળી છે. જોકે હજી સુધી અમારી પાસે બન્નેના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા નથી એટલે હાલમાં માત્ર આસપાસ રહેતા લોકોની પાસેથી અમે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કિશોર પેડણેકરે તેની પત્નીની કેટલા વાગ્યે હત્યા કરી અને તેની પત્નીની હત્યા પાછળનું કારણ શું છે એ જાણવા માટે અમે ટેક્નિકલ માહિતી ભેગી કરી રહ્યા છીએ.’