ડેટિંગ ઍપ પર ભટકાયેલી આ ભેજાબાજ યુવતી મમ્મીની બીમારીનાં, ભાઈ-બહેનના ભણતરનાં રોદણાં રડીને ૧૩૮ ટ્રાન્ઝૅક્શનમાં ૩૩.૩૭ લાખ રૂપિયા પડાવી ગઈ
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં રહેતા ૫૩ વર્ષના ગાર્મેન્ટ્સના વેપારી સાથે એક ડેટિંગ ઍપ પર મિત્રતા કર્યા બાદ પોતાની ઓળખ અમદાવાદની જાગૃતિ દહિયા તરીકે આપીને એક યુવતીએ સાઇબર ફ્રૉડમાં તેની પાસેથી ૩૩.૩૭ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. મારી મમ્મી હૉસ્પિટલમાં છે, મારાં નાનાં ભાઈ-બહેનોને અભ્યાસ માટે પૈસાની જરૂર છે, મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એમ કહીને જાગૃતિએ ૧૩૮ ટ્રાન્ઝૅક્શનમાં પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ગાર્મેન્ટ્સના વેપારી પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથેના સંબંધો ડેવલપ કરવા ગયા હતા અને એમાં તેમણે માર્ચથી જુલાઈ મહિના સુધીમાં યુવતીએ કહેલા અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા
હતા એમ જણાવતાં સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦ માર્ચે વેપારીને ડેટિંગ ઍપ પર PR નામના અકાઉન્ટથી મેસેજ આવ્યો હતો. એની સામે તમે કોણ? એવો મેસેજ કરતાં સામે યુવતીએ પોતાનું નામ અમદાવાદની જાગૃતિ દહિયા હોવાનું કહ્યું હતું અને પોતાનો વૉટ્સઍપ નંબર શૅર કર્યો હતો. એના પર વેપારીએ મેસેજ કરતાં જાગૃતિએ પોતાની ઉંમર ૨૮ વર્ષની કહી હતી. પછી તેણે વધુમાં કહ્યું હતું કે કોરોનાકાળમાં મારા પિતાનું મૃત્યુ થયા પછી મારી મમ્મી બહુ જ બીમાર રહેતી હોય છે અને મારાં નાનાં ભાઈ-બહેનના અભ્યાસનો ખર્ચ પણ મારે જ કરવો પડે છે. ત્યાર પછી વેપારીએ ફોન પર કરેલી વાતોમાં જાગૃતિએ કહ્યું કે તે મુંબઈ નોકરી માટે આવવાની છે. ત્યાર બાદ શરૂઆતમાં તેણે મમ્મીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેવા માટે ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. વેપારીને સહાનુભૂતિ થવાથી તેણે એ પૈસા ઑનલાઇન મોકલી આપ્યા હતા. ત્યાર પછી આશરે ચાર મહિના સુધી જાગૃતિએ અલગ-અલગ કારણો આપી ૧૩૮ વાર પૈસા માગીને કુલ ૩૩.૩૭ લાખ રૂપિયા લીધા હતા. વેપારીએ તેને મુંબઈ ક્યારે આવીશ એમ વારંવાર પૂછતાં જાગૃતિએ પોતાનો નંબર બંધ કરી દીધો હતો એટલે વેપારી જાગૃતિની શોધમાં જે બૅન્ક-અકાઉન્ટમાં પૈસા મોકલ્યા હતા એ અમદાવાદ અને મધ્ય પ્રદેશની બૅન્કમાં પૂછપરછ કરવા ગયા ત્યારે એ અકાઉન્ટ સાઇબર ગઠિયાનું હોવાની માહિતી મળ્યા બાદ તેમણે અમારી પાસે પોતાની ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
આરોપીઓએ પ્લાનિંગ કરીને બેથી ત્રણ બૅન્ક-અકાઉન્ટમાં પૈસા સ્વીકાર્યા હતા. તેમણે જે અકાઉન્ટમાં પૈસા સ્વીકાર્યા છે એ ગુજરાતની બે અને મધ્ય પ્રદેશની એક બૅન્ક છે. એ ખાતાં ફ્રીઝ કરવાની સૂચના અમે બૅન્કના સિનિયર અધિકારીઓને આપી છે. - સાઇબર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારી

