આવું કહીને KBCની બનાવટી વેબસાઇટ પર ઘાટકોપરની મહિલાને છેતરવામાં આવી, ૨૫ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હોવાનું કહીને ગઠિયાઓએ ૩.૧૨ લાખ રૂપિયા પડાવી લીધા
અમિતાભ બચ્ચ
ઘાટકોપર-વેસ્ટની એક સોસાયટીમાં રહેતી ૩૭ વર્ષની મહિલાને કૌન બનેગા કરોડપતિ (KBC)માં ૨૫ લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાનું કહી તેની સાથે છેતરપિંડી કરીને ૩.૧૨ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ મંગળવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. ૧૫થી ૩૧ ઑક્ટોબર દરમ્યાન નોંધણી-ચાર્જ, ઇનામની રકમ પર ટૅક્સ, ઇનામની રકમનું ઇન્શ્યૉરન્સ ઉપરાંત KBC તરફથી આપવામાં આવતા ચેક પર અમિતાભ બચ્ચનની સહી લેવા તેમના ઘરે જવું પડશે જે માટે પૈસા જોઈશે એવા અલગ-અલગ ચાર્જિસ કહીને પૈસા પડાવી લેવામાં આવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
KBCની બનાવટી વેબસાઇટ પર પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ મહિલાએ આપ્યો હતો જે સાચો હોવાનું કહીને ૨૫ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હોવાનું તેને કહેવામાં આવ્યું હતું એમ જણાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ કાલદાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ ઑક્ટોબરે મહિલા ફેસબુક જોઈ રહી હતી ત્યારે KBC જેવી દેખાતી વેબસાઇટ પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ આપવા મહિલાએ એ વેબસાઇટ પર ક્લિક કરીને પોતાની તમામ માહિતી ભરી હતી. ત્યાર બાદ મહિલાને ૧૫ ઑક્ટોબરે KBCથી બોલતો હોવાનું કહીને એક યુવાને ફોન કર્યો હતો. તેણે મહિલાએ સવાલનો જવાબ સાચો આપ્યો હોવાથી ૨૫ લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાની માહિતી આપી હતી. એ પછી નોંધણીચાર્જ તરીકે શરૂઆતમાં ૧૦૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા. એ મોકલતાંની સાથે ટૅક્સરૂપે ૩૧૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. એ ભરી દેતાં ઇનામની રકમનું ઇન્શ્યૉરન્સ, બૅન્કનો ટૅક્સ જેવા ચાર્જિસ કહીને ૨.૮૦ લાખ રૂપિયા ૩૦ ઑક્ટોબર સુધીમાં લેવામાં આવ્યા હતા. અંતે જ્યારે મહિલાએ પોતાના ઇનામના ચેક વિશે વધુ પૂછપરછ કરી ત્યારે સાઇબર ગઠિયાએ કહ્યું કે બસ, તમારો ચેક તૈયાર છે, હું હમણાં અમિતાભ બચ્ચનના ઘરે સહી કરાવવા જઈ રહ્યો છું એટલે એના માટે તમારે છેલ્લો ચાર્જ ભરવાનો રહેશે. એમ કહીને બીજા ૩૨,૦૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા. અંતે ચેક તમને કુરિયર કરવામાં આવશે એમ કહેવામાં આવ્યું હતું. જોકે ચાર-પાંચ દિવસ સુધી કોઈ ચેક ન મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી.’
ADVERTISEMENT
જે અકાઉન્ટમાં પૈસા સ્વીકારવામાં આવ્યા છે એની માહિતી અમે કાઢી રહ્યા છીએ. આ સાથે આ કેસમાં ત્રણથી ચાર બૅન્ક-અકાઉન્ટ અમે ફ્રીઝ કરી દીધાં છે- સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ કાલદાટે