ચાર સંતાનો સાથે એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર નીચે રહેતી પૂનમ ખારવાએ મંગળવારે કારની અડફેટે આવીને જીવ ગુમાવ્યો : આ બાળકોના પપ્પા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા છે એટલે મમ્મી જ બાળકોનો એકમાત્ર સહારો હતી
સાહિલ ખારવા, પૂનમ તેની બન્ને દીકરીઓ સાથે.
લોઅર પરેલમાં કમલા મિલ્સ પાસે એલ્ફિન્સ્ટન ફ્લાયઓવરની નીચે રહી ગજરા વેચીને ચાર બાળકોનું ગુજરાન ચલાવતી ૩૬ વર્ષની પૂનમ ખારવાનું મંગળવાર સાંજે લર્નિંગ લાઇસન્સ સાથે કાર ચલાવતા ૨૮ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયર અક્ષય પટેલની કારની અડફેટે આવી જવાથી મૃત્યુ થયું હતું. પૂનમ તેનાં ૩થી ૧૪ વર્ષનાં ચાર બાળકોનો એકમાત્ર સહારો હતી. તે રોડ પર રહીને તેનાં બાળકોનું ભરણપોષણ કરતી હતી. તેના મૃત્યુ પછી તેના ૧૪ વર્ષના પુત્ર સાહિલે ૬૦૦૦ રૂપિયા ઉધાર લઈને બુધવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. હવે તેનાં નાનાં ભાઈ-બહેનોની કેવી રીતે સંભાળ રાખશે એની ચિંતા સાહિલને સતાવી રહી છે.
મારા પપ્પા વર્ષો પહેલાં અમને બધાને છોડીને દેવલોક પામ્યા ત્યારથી મમ્મી અમારો એકમાત્ર સહારો હતી એમ જણાવતાં મહેસાણાના કડી-કલોલ ગામના સાહિલ ખારવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે મને અને મારી બહેનને ભૂખ લાગી હોવાથી મમ્મી ખાવાનું લેવા ગઈ હતી. ત્યારે એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર નીચે યુ-ટર્ન લેતી એક કારે તેને અડફટે લીધી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ પછી મેં મારી દસ વર્ષની નાની બહેન રોશનીને જેમતેમ કરીને સમજાવી લીધી હતી, પણ મારી સૌથી નાની ત્રણ વર્ષની બહેન લક્ષ્મીને હજી સુધી હું નથી સમજાવી શક્યો. તે દર કલાકે મમ્મી માટે રડી રહી છે. મારા સાત વર્ષના ભાઈ અમિતને પીઠ પર ગાંઠ થઈ હોવાથી દેશી દવા કરવા માટે તે દેશમાં હોવાથી તેને તો હજી અમે જાણ જ નથી કરી. આ બધા વચ્ચે સૌથી મોટી પરેશાની મારા માટે રહેવાનું ઠેકાણું શોધવાની છે, કારણ કે મમ્મી હતી ત્યારે અમે બધાં ભાઈ-બહેનો એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર નીચે દિવસ-રાત રહેતાં હતાં. એ સમયે મમ્મી રાતે જાગીને અમારા બધાનો ખ્યાલ રાખતી હતી. રાતે દારૂડિયાઓ મારી કે મારી બહેન પાસે આવતા ત્યારે તેમની સાથે તે ઝઘડો કરતી અને તેમને દૂર ભગાવતી હતી. જોકે હવે મમ્મી નથી. હું મારાં નાનાં ભાઈ-બહેનોને લઈને કેવી રીતે એકલો ફ્લાયઓવર નીચે રહીશ એવી ચિંતામાં મને છેલ્લા ચાર દિવસથી ઊંઘ નથી આવતી. હાલમાં હું મારા માનેલા કાકાને ઘરે રહું છું. આગળ મારે શું કરવું અને કેવી રીતે કરવું એની ચિંતાના વિચાર સતત આવ્યા કરે છે.’
ADVERTISEMENT
શું હતી ઘટના?
એન. એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂનમ ખારવા મંગળવારે રાતે ફ્લાયઓવરની નીચે ચાલતી જઈ રહી હતી ત્યારે યુ-ટર્ન લેતી વખતે એક કારે તેને સામેથી ટક્કર મારી હતી. આ ઘટનામાં પૂનમ ડિવાઇડર પર પટકાતાં તેના માથામાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તાત્કાલિક લર્નિંગ લાઇસન્સ સાથે કાર ચલાવી રહેલા અક્ષય પટેલે અને કારની માલિક હર્ષિતા આહુજાએ પૂનમને પાછલી સીટ પર સુવડાવીને નાયર હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડી હતી. જોકે ત્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અંતે આ કેસમાં અમે અક્ષય સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’
સાહિલ ખારવાને મદદરૂપ થવું છે?
તો તેને 96198 36604 નંબર પર ફોન કરી શકાય

